Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

‘વિઠ્ઠલ તીડી' એ વર્ણવી વિગત

પ્રતિક ગાંધીએ મુંબઇ પોલીસ ઉપર અપમાનિત કરવાનો આરોપ મૂકયોઃ ખેંચીને ગોદામમાં પૂરી દીધો

મુંબઇ, તા.૨૫: ‘સ્‍કેમ ૧૯૯૨' ફેમ પ્રતિક ગાંધીની લોકપ્રિયતા સતત વધી રહી છે પરંતુ તેમ છતાં રવિવારે તેમની સાથે કંઈક એવું બન્‍યું જે ચોક્કસપણે તેમના માટે કડવો અનુભવ હતો. વાસ્‍તવમાં, પ્રતિક ગાંધીએ રવિવારે મુંબઈ પોલીસ સાથેના પોતાના ખરાબ અનુભવો વિશે ટ્‍વિટર પર શેર કર્યું હતું. પ્રતીક ગાંધીએ કહ્યું કે મુંબઈ પોલીસે અભિનેતા સાથે ગેરવર્તણૂક કરીને તેનું અપમાન કર્યું કારણ કે હાઈવે પર વીઆઈપી મૂવમેન્‍ટ ચાલી રહી હતી.

પ્રતીક ગાંધીએ ટ્‍વીટ કરીને લખ્‍યું, ‘મુંબઇમાં વેસ્‍ટર્ન એક્‍સપ્રેસ હાઈવે વીઆઇપી મૂવમેન્‍ટને કારણે જામ થઈ ગયો હતો. હું શૂટિંગ લોકેશન પર પહોંચવા માટે પગપાળા ચાલવા લાગ્‍યો. આના પર, પોલીસે મને ખભાથી પકડીને ખેંચ્‍યો અને મને માર્બલના વેરહાઉસમાં રાહ જોવડાવી. તેમણે મારું અપમાન કર્યું અને મને આ બાબતે કઇં જણાવ્‍યુ પણ નહીં. આ પછી ઘણા યુઝર્સે તેને કહ્યું કે પીએમ મોદી શહેરમાં હતા, તેથી આવું બન્‍યું હશે.

જવાબમાં પ્રતીક ગાંધીએ પણ લખ્‍યું છે - ઓહ, મને ખબર નહોતી. પ્રતિક ગાંધીના આ ટ્‍વીટ પર ત્‍યાં ઘણા યુઝર્સ પણ તેની મજા લેવા લાગ્‍યા. એક યુઝરે લખ્‍યું - હર બાર રિસ્‍ક હે તો ઇશ્‍ક હે નથી હોતું મોટા ભાઇ. આના પર પ્રતિક ગાંધીએ તેમને જવાબ આપતા કહ્યું કે, ભાઇ કોઇ રિસ્‍ક નહીં ફક્‍ત પોતાના કામ પર જઇ રહ્યો હતો' એક ફોલોવરે પ્રતિક ગાંધી સાથે મુંબઈ પોલીસની ટ્રાફિક એડવાઈઝરી શેર કરી અને તેમને કહ્યું કે પોલીસે પહેલા જાણ કરી હતી તેના વિશે.

આ એડવાઈઝરીમાં લખવામાં આવ્‍યું હતું કે, ‘વીઆઇપી મૂવમેન્‍ટના કારણે વેસ્‍ટર્ન એક્‍સપ્રેસ વે પર ધારાવી, માટુંગા તરફ ૩-૯ કલાકની વચ્‍ચે ટ્રાફિક ધીમો પડી શકે છે. મુંબઈકરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ માર્ગને બદલે વૈકલ્‍પિક માર્ગનો ઉપયોગ કરે. આપને જણાવી દઈએ કે હર્ષદ મહેતા પર આધારિત ‘સ્‍કેમ ૧૯૯૨' વેબ સિરીઝ પછી પ્રતિક ગાંધી રાતોરાત સ્‍ટાર બની ગયા હતા.

વર્ક ફ્રન્‍ટની વાત કરીએ તો, તેની પાસે ઘણા પ્રોજેક્‍ટ પાઇપલાઇનમાં છે. જેમાં ‘વો લડકી હૈ કહાં' ફિલ્‍મનો સમાવેશ થાય છે જેમાં તેની સાથે તાપસી પન્નુ જોવા મળશે. આ સિવાય તેની પાસે નેટફિલક્‍સ માટે પણ એક પ્રોજેક્‍ટ છે. પ્રતિક ગાંધી ફિલ્‍મ ‘ફુલે' મહાત્‍મા જયોતિરાવ ગોવિંદરાવ ફુલેનું પાત્ર ભજવતા જોવા મળશે.

(4:51 pm IST)