Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

જહાંગીરપુરીમાં ભાઈચારો જાળવી રાખવા આપ્યો સંદેશ : બંને સમુદાયના લોકોએ સાથે મળીને ત્રિરંગા યાત્રા કાઢી

યાત્રામાં સામેલ લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા:લોકોએ પોતાના ઘરની છત પરથી તિરંગા યાત્રા પર ફૂલોની વર્ષા કરી

નવી દિલ્હી : જહાંગીરપુરીમાં ભાઈચારો જાળવી રાખવા માટે, જ્યાં ભૂતકાળમાં હિંસા થઈ હતી, બંને સમુદાયના લોકોએ સાથે મળીને ત્રિરંગા યાત્રા કાઢી હતી. આ તિરંગા યાત્રા જહાંગીરપુરીના કુશલ ચોકથી શરૂ થઈ આઝાદ ચોક ખાતે સમાપ્ત થઈ હતી. યાત્રામાં સામેલ લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. લોકોએ પોતાના ઘરની છત પરથી તિરંગા યાત્રા પર ફૂલોની વર્ષા કરી હતી.

ઉત્તર પશ્ચિમ દિલ્હીના ડીસીપી ઉષા રંગનાનીએ કહ્યું 'બે દિવસ પહેલાં બેઠકમાં બંને સમુદાયો પાસેથી ત્રિરંગા યાત્રા કાઢવા માટે મંજૂરી માગવામાં આવી હતી. યાત્રા દરમિયાન બંને સમુદાયોએ લોકોને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા અપીલ કરી હતી, જે દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

ભારે પોલીસ બંદોબસ્તની હાજરીમાં નિર્ધારિત સ્થળોએથી આ યાત્રા કાઢવામાં આવી હતી. તિરંગા યાત્રા જહાંગીરપુરીના કુશલ ચોકથી શરૂ થઈ અને જામા મસ્જિદની સામેથી પસાર થઈ જ્યાં પથ્થરમારો થયો હતો અને આઝાદ ચોક પર સમાપ્ત થઈ હતી. આ યાત્રામાં બંને સમુદાયોના લગભગ 50 લોકો જોડાયા હોવાની માહિતી આપવામાં આવી હતી, પરંતુ તેનાથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

(5:09 pm IST)