Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

2 લાખની લાંચ લેવા માટે 1750 કિ.મી.ની મુસાફરી કરીને દિલ્‍હીથી ભુવનેશ્વર પહોંચેલ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અને કોન્‍સ્‍ટેબલની ધરપકડ

સીબીઆઇએ એરપોર્ટ ઉપરથી જ રંગેહાથ ઝડપી લીધા

ભુવનેશ્વર: CBIએ લાંચ લેવાના આરોપમાં દિલ્હી પોલીસના એક ઈન્સ્પેક્ટર સજ્જન સિંહ યાદવ અને કોન્સ્ટેબલ અમિત લુચ્ચાની ધરપકડ કરી છે. પોલીસકર્મી 2 લાખની લાંચ લેવા માટે 1750 કિમીની મુસાફરી કરીને ભુવનેશ્વર એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાં CBIએ તેમની ધરપકડ કરી હતી. CBIના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એક ફરિયાદકર્તાએ જણાવ્યું કે, એક કેસમાં ચાર્જશીટ કોર્ટમાં દાખલ થઈ ચૂકી હતી. જેમાં તેમનું નામ એક સાક્ષી તરીકે નોંધાયું હતું પરંતુ આ કેસના તપાસ અધિકારી ઈન્સ્પેક્ટર સજ્જનસિંહ યાદવે પીડિત સાથે સંપર્ક કર્યો અને જણાવ્યું કે, જો તેઓ 4 લાખ 50 હજાર રૂપિયા નહીં આપશે તો સપ્લીમેટ્રી ચાર્જમાં તેમને આરોપી બનાવી દેવામાં આવશે. પીડિતને કહેવામાં આવ્યું હતું કે, 24 એપ્રિલે ભૂવનેશ્વર એરપોર્ટ પર આવે અને ત્યાં કોન્સ્ટેબલ અમિત લુચ્ચા તેમનો સંપર્ક કરશે. CBIએ ટ્રેપ કરીને એરપોર્ટ પરથી કોન્સ્ટેબલની 2 લાખની લાંચ લેતા રંગે હાથ ધરપકડ કરી છે.

દિલ્હી પોલીસની IFSO(સાયબર ક્રાઈમ યૂનિટ) યુનિટના DCP કેપીએસ મલ્હોત્રાના જણાવ્યા પ્રમાણે ઉદય શાહૂ નામના વ્યક્તિને એક કેસની ચાર્જશીટમાં સાક્ષી બનાવવામાં આવ્યા હતા. તેમણે સીબીઆઈને ફરિયાદ કરી હતી કે, તેમના પર લાંચ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને લાંચ ન આપવા પર ધરપકડ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. ગઈ કાલે કોન્સ્ટેબલ અમિતને લાંચ લેતા સીબીઆઈએ ભૂવનેશ્વરથી ધરપકડ કરી હતી. તેઓ કોઈ પણ સીનિયર અધિકારીની પરવાનગી લીધા વગર ભૂવનેશ્વર ગયો હતો. રવિવારે તેમનો વીક ઓફ હતો.

દિલ્હી પોલીસના ઈન્સ્પેક્ટર સજ્જન યાદવની પણ ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, સજ્જન યાદવ દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગમાં તૈનાત હતો પરંતુ દિલ્હી પોલીસનું કહેવું છે કે, સજ્જન કુમાર દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની સાયબર ક્રાઈમ યુનિટમાં તૈનાત હતો.

(5:44 pm IST)