Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

ડાઉ જોન્સમાં ૧૦૦૦ પોઈન્ટનો જોરદાર કડાકો જોવા મળ્યો

યુએસ ફેડની વ્યાજદરમાં ઝડપી વધારાની ચેતવણી ઃ ચીનમાં ફરી હાહાકાર મચાવી રહેલ કોરોના વાયરસને કારણે ફરી વૈશ્વિક અર્થવ્યવસ્થા-શેરબજારોમાં હાહાકાર

નવી દિલ્હી, તા.૨૫ ઃ યુએસ ફેડની વ્યાજદરમાં ઝડપી વધારો કરવાની ચેતવણી બાદ ગત સપ્તાહના અંતે શુક્રવારે અમેરિકાના બજારોમાં કોહરામ જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ૧૦૦૦ અંકથી વધુ ગગડ્યો હતો. નકારાત્મક સંકેતોને પગલે એશિયન બજારમાં નવા સપ્તાહની શરૃઆત પણ નેગેટીવ થઈ હતી. આ સિવાય ચીનમાં ફરી હાહાકાર મચાવી રહેલ કોરોના વાયરસને કારણે ફરી વૈશ્વિક અર્થવ્યવસ્થા અને શેરબજારોમાં હાહાકાર મચી જવા પામ્યો છે. એશિયાના તર્જ પર ભારતીય શેરબજારમાં પણ ભારે તારાજી સર્જાઈ છે. ૨૦૦ અંકોના કડાકે ખુલેલા નિફટી ૫૦ ઈન્ડેકસમાં સામાન્ય રિકવરી જોવા મળી હતી પરંતુ સામાન્ય સુધારા બાદ ચીનમાં મંદી વધતા ભારતીય બેંચમાર્ક ઈન્ડેકસ ફરી ગગડ્યાં હતા.

ચીનમાં કોરોનાનો રાફડો ફરી ફાટી રહ્યો છે. શાંઘાઈમાં કડકાઈ છતા કોરોનાને કારણે એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ ૫૧ મોત થયા છે. સરકારે કડક ઈમરજન્સી લોકડાઉન લાદવાની તૈયારી દર્શાવતા દેશમાં અફરાતફરી જોવા મળી રહી છે. ચીનના શેરમાર્કેટમાં ૫%નો મસમોટો કડાકો જોવા મળ્યો છે. આ સિવાય ચીનનું મહત્વનું ઈન્ડેકસ શેનઝેન પણ ૬%થી વધુ ગગડ્યું છે.

અમેરિકામાં ઝડપથી વ્યાજદરમાં વધારો શેરબજાર સહિતના ડેટ માર્કેટના રોકાણકારોનું માનસ ખરડી રહ્યું છે.

આ સિવાય આર્થિક સંકળામણને કારણે પ્રતિબંધો બાદ શરૃ થયેલ શ્રીલંકાના શેરબજારમાં કોહરામ જોવા મળ્યો હતો. શ્રીલંકાનું બજાર બે સપ્તાહનું ફરજિયાત બંધ પાળ્યા બાદ આજે શરૃ થતા ૧૨.૫% તૂટ્યું છે. રોકાણકારોની સંપત્તિમાં મસમોટા ધોવાણને કારણે રેગ્યુલેટરને ફરી એક્સચેન્જ બંધ કરવાની ફરજ પડી છે. શ્રીલંકાના શેરબજારનું ટ્રેડિંગ બંધ કરવું પડ્યું છે.

(8:29 pm IST)