Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

વ્યાજદરમાં વૃદ્ધિ થવી તે રાષ્ટ્ર વિરોધી નથી ઃ રઘુરામ રાજન

આર્થિક વિકાસને વેગ આપવા RBI વ્યાજ દર વધારતી નથી ઃ ફુગાવો વધારે છે અને બેંકના વ્યાજના દર નીચા એટલે લોકોને વાસ્તવિક રીતે મોંઘવારી સામે રક્ષણ મળી રહ્યું નથી

નવી દિલ્હી, તા.૨૫ ઃ ભારત અને વિશ્વમાં મોંઘવારી વધી રહી છે અને તેના કારણે હળવા વ્યાજ દરની નીતિઓનો અંત અમેરિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા, તુર્કી જેવા દેશોમાં જોવા મળી રહ્યો છે. યુરોપીયન સંઘમાં યુરોપીયન સેન્ટ્રલ બેંક પણ વ્યાજ દર વધારવા માટે વિચારી રહી છે પણ ભારતમાં આર્થિક વિકાસને વેગ આપવા માટે રિઝર્વ બેંક હજુ પણ વ્યાજ દર વધારી રહી નથી. ધિરાણ નીતિની છેલ્લી ૧૧ બેઠકોમાં આ દર વિક્રમી રીતે ૪ ટકા ઉપર જાળવી રાખવામાં આવ્યો છે. ફુગાવો વધારે છે અને બેંકના વ્યાજના દર નીચા એટલે લોકોને વાસ્તવિક રીતે મોંઘવારી સામે રક્ષણ મળી રહ્યું નથી, રીઅલ ઈન્ટરેસ્ટ રેટ નેગેટીવ છે.

આ સમયે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગર્વનર ડો. રઘુરામ રાજને જણાવ્યું હતું કે રિઝર્વ બેક્ને પણ વ્યાજ દર વધારવા જ જોઈએ અને દરમાં વૃદ્ધિ રાષ્ટ્રવિરોધી નથી એવું રાજકારણી અને બ્યુરોક્રેટસે સમજવું જોઈએ.

રિઝર્વ બેક્ને પણ વિશ્વના અન્ય દેશોની જેમ વ્યાજના દર વધારવા જ જોઈએ (ક્યારે વધશે એ અંગે આગાહી હું કરીશ નહી). વર્તમાન સમયમાં રાજકારણી અને બ્યુરોક્રેટસે સમજવું જોઈએ કે વ્યાજ દર વધવા એ રાષ્ટ્રવિરોધી પ્રવુત્તિ નથી કે જેનાથી વિદેશી રોકાણકારોને ફાયદો થશે. પરંતુ તેનાથી અર્થતંત્રમાં રોકાણ સંતુલિત બનશે અને તેનો સૌથી મોટો ફાયદો ભારતીય નાગરિકોને થશે, એમ રાજને પોતાની લીંકડીન પોસ્ટમાં જણાવ્યું હતું. રાજને અગાઉ વર્ષ ૨૦૦૭-૦૮માં વૈશ્વિક નાણાકીય કટોકટી આવશે એવી આગાહી બે વર્ષ પહેલા કરી હતી એ નોંધવું જોઈએ.

હું જયારે ૨૦૧૩માં રિઝર્વ બેંકના ગવર્નર તરીકે આવ્યો ત્યારે ભારતમાં કરન્સીની કટોકટી હતી. એ સ્સ્મ્યે મોંઘવારીનો દર ૯.૫ ટકા હતો. એ સમયે રિઝર્વ બેક્ને વ્યાજના દર ૭.૨૫ ટકાથી ૮ ટકા કર્યા હતા. એ પછી ફુગાવો અંકુશમાં આવ્યો ત્યારે વ્યાજના દરમાં તબક્કાવાર ૧.૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. અમે જ મોંઘવારી રિઝર્વ બેંકની નીતિમાં કેન્દ્ર સ્થાને હોવી જોઈએ એવી પ્રણાલી શરૃ કરી હતી, એમ રાજને ઉમેર્યું હતું. આ પછી દેશના ચલણને સદ્ધરતા મળી, ફુગાવો ઘટ્યો અને દેશમાં ફોરેકસ રિઝર્વમાં પણ વધારો જોવા મળ્યો હતો.

ડો રાજને પોતાની પોસ્ટમાં ટીકાકારોને પણ જવાબ આપ્યો છે. "એ સમયે મારા ઉપર આક્ષેપ હતો કે મે એ સમયે દેશના અર્થતંત્રના વિકાસને, વ્યાજનો દર વધારી આગળ વધતા અટકાવ્યો હતો. આવી ટીકા મારે પુરોગામીઓ સામે પણ થઇ હતી પણ એની ચિંતા વગર વર્તમાન હકીકતોના આધારે ભવિષ્યની નીતિ ઘડવાની હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ જે જરૃરી છે તે કરવું જ જોઈએ અને ધિરાણ નીતિમાં એ માટેની જોગવાઈઓ પણ છે," એમ રાજન જણાવે છે.

 

(8:32 pm IST)