Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

પિતાના પડછાયામાં નથી રહેવું ઃ વેદાંત માધવન

અભિનેતા આર.માધવનનો પુત્ર ચર્ચામાં ઃવેદાંતે કોપનહેગનમાં યોજાયેલી ડેનિશ ઓપન સ્વીમિંગ ઈવેન્ટમાં ૮૦૦ મીટર ફ્રીસ્ટાઈલમાં ગોલ્ડ મેળવ્યો હતો

મુંબઈ, તા.૨૫ ઃ એક્ટર આર. માધવનનો દીકરો વેદાંત આજકાલ ચર્ચામાં છે. સિલ્વર મેડલ જીત્યા બાદ તેણે ભારત માટે ગોલ્ડ પણ જીત્યો છે. વેદાંતે ડેનિશ ઓપન સ્વીમિંગ ઈવેન્ટમાં ૮૦૦ મીટર ફ્રીસ્ટાઈલ (પુરુષ)માં મેડલ મેળવ્યો છે. આ સ્પર્ધા કોપનહેગનમાં યોજાઈ હતી. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે પોતાને અહીં સુધી પહોંચડવા પેરેન્ટ્સે કેટલી મહેનત કરી છે તે વિશે વાત કરી છે. સાથે જ તે પિતાના પડછાયામાં ના રહીને પોતાનું અલગ નામ બનાવવા માગતો હતો તેમ પણ જણાવ્યું છે.

દૂરદર્શન ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં વેદાંતે કહ્યું, હું મારા પિતાના પડછાયામાં નથી રહેવા માગતો. હું જાતે નામ કમાવવા માગુ છું. હું માત્ર આર. માધવનનો દીકરો નથી બનાવ માગતો.* વેદાંતે આગળ એ પણ જણાવ્યું કે, તેના કરિયર માટે તેના માતાપિતાએ કેવા બલિદાન આપ્યા છે. તેણે કહ્યું, 'તેઓ બંને મારું ખૂબ ધ્યાન રાખે છે અને ખૂબ મહેનત કરે છે. મારા માતાપિતાએ મારા માટે કરેલા ત્યાગમાંથી સૌથી મોટો એ છે કે તેઓ દુબઈ શિફ્ટ થઈ ગયા.'

ઉલ્લેખનીય છે, આર. માધવ અને તેનો પરિવારે ગત વર્ષે દુબઈ શિફ્ટ થઈ ગયો હતો જેથી વેદાંત વધુ સારી પ્રેક્ટિસ કરી શકે. અગાઉ માધવને શિફ્ટ થવા અંગે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'મુંબઈમાં મોટા સ્વિમિંગ પુલ કોરોનાના કારણે બંધ છે અથવા મર્યાદાની બહાર છે. અમે દુબઈમાં વેદાંત સાથે છીએ. અહીં તેને મોટા સ્વિમિંગ પુલ મળી રહે છે. તે ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યો છે. મારી પત્ની સરિતા અને હું તેની સાથે છીએ.'

વેદાંતે અગાઉ માર્ચ ૨૦૨૧માં લાટિવિયા ઓપનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગત વર્ષે જૂનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશીપ્સમાં સાત મેડલ (ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ) જીત્યા હતા.

 ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા વેદાંત ગોલ્ડ મેડલ જીતતાં આર. માધવને ગર્વ લેતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી. તેણે વિડીયો શેર કરતાં લખ્યું હતું, ગોલ્ડ...તમારા સૌના અને ઈશ્વરના આશીર્વાદથી જીત ચાલુ છે. આજે વેદાંત ૮૦૦ મીટરમાં ગોલ્ડ જીત્યો. ભાવવિભોર અને કૃતજ્ઞ છું. થેક્ન્યૂ કોચ અને સમગ્ર ટીમ. પ્રિયંકા ચોપરા સહિતના સેલેબ્સે માધવનને દીકરાની જીત માટે શુભેચ્છા આપી હતી.

(8:32 pm IST)