Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

દેશમાં એક સપ્તાહમાં જ કોરોનાના કેસ બમણા થઈ જતા ચિંતા વધી

ભારતમાં કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો ઃ ભારતમાં સતત ૧૧ અઠવાડિયા સુધી કોરોના વાયરસના કેસ સ્થિર રહ્યા પછી પાછલા બે અઠવાડિયાથી નવા કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે

૭નવી દિલ્હી, તા.૨૫ ઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા ચોથી લહેરનો ગણગણાટ શરુ થઈ ગયો છે. ભારતમાં બીજી લહેર બાદ તાજેતરમાં કોરોનાના દૈનિક કેસ ૧૦૦૦ની અંદર આવ્યા પછી ફરી એકવાર નવા કેસમાં વધારો થતા ચિંતામાં વધારો થયો છે. કોરોનાના નવા કેસમાં ૧૨ રાજ્યોમાં પાછલા ત્રણ અઠવાડિયામાં ઉછાળો નોંધાયો છે. આ સાથે કેટલાક રાજ્યોમાં પાછલા ૭ દિવસની સરખામણીમાં રવિવારે નવા કેસમાં વધારો થયો છે.

ભારતમાં પાછલા અઠવાડિયામાં (૧૮-૨૪ એપ્રિલ) કોરોનાના ૧૫,૭૦૦ નવા કેસ નોંધાયા છે, જ્યારે આ પહેલા સપ્તાહના ૮,૦૫૦ કેસ નોંધાયા હતા. એટલે કે પાછલા અઠવાડિયે નોંધાયેલા કેસમાં ૯૫%નો વધારો નોંધાયો છે. સતત ૧૧ અઠવાડિયા સુધી કોરોનાના કેસ સ્થિર રહ્યા પછી પાછલા બે અઠવાડિયાથી નવા કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.

આ અઠવાડિયા દરમિયાન દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં કોરોનાના નવા કેસમાં વધારો નોંધાયો છે, જેમાંથી સૌથી વધારે એનસીઆર શહેરોમાં કેસ વધ્યા છે. આ ત્રણ રાજ્યો હતા કે જ્યાં નવા કેસમાં ઉછાળો નોંધાયો હતો, પરંતુ પાછલા અઠવાડિયામાં રાજ્યોની સંખ્યા વધીને ૯ થઈ ગઈ છે, જેમાં કેરળ, મહારાષ્ટ્રા, કર્ણાટક, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને પંજાબનો સમાવેશ થાય છે.

દિલ્હીમાં પાછલા અઠવાડિયામાં ૬,૩૨૬ કેસ નોંધાયા છે, એ પહેલાના અઠવાડિયે અહીં ૨,૩૦૭ કેસ નોંધાયા હતા. હરિયાણા (૨,૨૯૬) અને ઉત્તરપ્રદેશ (૧,૨૭૮)માં નવા કેસમાં વધારો થયો છે. આ ત્રણ રાજ્યોના કુલ કેસનો આંકડો દેશમાં પાછલા અઠવાડિયે નોંધાયેલા કેસની સામે બેતૃતિયાંસ થાય છે. પાછલા વર્ષે ડિસેમ્બરમાં ત્રીજી લહેરની શરુઆત થઈ હતી અને ફેબ્રુઆરીના અંત પછી નવા કેસ ઘટીને ૫ હજારની અંદર આવી ગયા હતા.

૧૨ રાજ્યો નવા કેસમાં પાછલા બે અઠવાડિયાઓમાં વધારો નોંધાયો છે, જ્યારે બાકીના ૮ રાજ્યોમાં વધારો નોંધાયો છે પરંતુ તે ૧૦૦ની નીચે રહ્યો છે.

ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨,૫૪૧ કેસ નોંધાયા છે, નવા કેસમાં વધારો થવાથી એક્ટિવ કેસનો આંકડો વધીને ૧૬,૫૨૨ થઈ ગયો છે.

 આ સાથે પોઝિવિટી રેટ ૦.૮૪% થઈ ગયો છે. દિલ્હીમાં કોરોનાના નવા કેસ તળિયે બેસી જતા માસ્કથી મૂક્તિ આપવામાં આવી હતી પરંતુ ફરી એકવાર રાજ્યમાં કેસમાં ઉછાળો નોંધાતા માસ્ક ફરજિયાત કરીને તેનો ભંગ કરનારને દંડ પણ ફટકારવામાં આવશે.

 

(8:33 pm IST)