Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

બિહારના રાજકારણમાં મોટો ભૂકંપ : લાલુ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપનો RJDમાંથી રાજીનામાનો નિર્ણય

ટ્વિટ કરીને આપી જાણકારી:કહ્યું - ટૂંક સમયમાં પિતાને મળીને રાજીનામું આપી દઈશ

પટના :બિહારની વિપક્ષી પાર્ટી RJDમાં મોટો ભૂકંપ આવ્યો છે,લાલુ યાદવના મોટા પુત્ર અને RJD ધારાસભ્ય તેજ પ્રતાપે રાજીનામાની જાહેરાત કરી છે. આરજેડી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તેજપ્રતાપ યાદવે ટ્વિટ કરીને પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેજ પ્રતાપે કહ્યું છે કે, તેઓ મંગળવારે  તેમના પિતા અને આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને મળીને રાજીનામું સુપરત કરશે.

તેજ પ્રતાપે ટ્વિટ કરીને પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે મેં  હંમેશા પિતાના પગલે ચાલવાનું કામ કર્યું છે અને તમામ કાર્યકર્તાઓને સન્માન આપ્યું છે ટૂંક સમયમાં પિતાને મળીને રાજીનામું આપી દઈશ.

તેજ પ્રતાપ હાલ હસનપુર વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. ગત ચૂંટણીમાં તેઓ મહુઆથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તેજ પ્રતાપ મહાગઠબંધન સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી હતા.તેજપ્રતાપ યાદવ પોતાના નિવેદનોને કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. 26 માર્ચે તેજ પ્રતાપ યાદવે બે ટ્વિટ કરીને અનેક નેતાઓના ચહેરા ખુલ્લા કરવાની વાત કહી હતી. પહેલા ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે, સમય આવી ગયો છે... એક મોટો ખુલાસો, હું ટૂંક સમયમાં જ તે બધા ચહેરા પરથી માસ્ક કાઢીશ... જે મને મૂર્ખ સમજવાનું ભૂલી ગયો. તેજ પ્રતાપે પોતાના બીજા ટ્વીટમાં લખ્યું હતું કે ગળામાં તુલસી માલા અને દિલમાં પાપ...ભગવાનના નામનો આશરો લેનારા આ ઢોંગીઓને જલ્દી જ સજા થશે. ટૂંક સમયમાં જ કંઈક એવું બહાર આવશે કે નરક પણ તેમના માટે ભાગ્યશાળી નહીં હોય.

 

(9:36 pm IST)