Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

રાજકોટ નાગરિક સહકારી બેન્કને રિઝર્વ બેંકે 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો : થાપણદારોને ચૂકવવાના થતા વ્યાજ અંગે રિઝર્વ બેન્કના નિયમોનું ઉલ્લંઘન કર્યું

બેંકે આપેલ નોટિસનો જવાબ અને વ્યક્તિગત સુનાવણી બાદ ઉપરોક્ત આર્થિક પેનલ્ટી લાદવાનો રિઝર્વ બેન્કનો નિર્ણય

રાજકોટ : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રાજકોટ નાગરિક સહકારી બેન્કને 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.જે થાપણદારોને ચૂકવવાના થતા વ્યાજ અંગે રિઝર્વ બેન્કના નિયમોના ઉલ્લંઘન બદલ કરવામાં આવ્યો છે.

આ દંડ રિઝર્વ બેન્કને સેક્શન 47 A ( 1 ) (c ) ,સેક્શન 46 ( 4 ) (i)  તથા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 56 મુજબ ઉપરોક્ત નિયમના ઉલ્લંઘન માટે કરાયો છે.
આ કાર્યવાહી નિયમોના અનુપાલનમાં ઉણપ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલ કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા અંગે છે.
ઉલ્લેખનીય છે કે બેન્કના 31 માર્ચ 2019 ના રોજના વાર્ષિક નાણાકીય હિસાબોના રિઝર્વ બેન્ક દ્વારા કરવામાં આવેલા સ્ટેચ્યુટરી ઓડિટ દરમિયાન જાણવા મળ્યા મુજબ બેંકે મૃતકોના વ્યક્તિગત અથવા સોલ પ્રોપ્રાઇટરશિપ કરંટ એકાઉન્ટમાં પડેલી રકમ ઉપર વ્યાજ ચૂકવ્યા વિના મુદ્દલ રકમ વારસદારોને પાછી આપી દીધી હતી.
આથી રિઝર્વ બેંકે બેન્કના નિયમોના ઉલ્લંઘન બદલ પેનલ્ટી શા માટે ન વસૂલવી તેવી નોટિસ આપી હતી.તથા બેંકે આપેલ નોટિસનો જવાબ અને વ્યક્તિગત સુનાવણી બાદ ઉપરોક્ત આર્થિક પેનલ્ટી  લાદવાનો નિર્ણય કર્યો હતો.

 

(11:37 pm IST)