Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

પંજાબે ચેન્નાઈ સુપર કિંગ્સને 11 રને હરાવ્યું : શિખર ધવનએ અણનમ 88 રન ફટકાર્યા

પંજાબના 188 રનના ટાર્ગેટ સામે ચેન્નાઇ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન જ બનાવી શકી

મુંબઈ :  IPL 2022 ની 38મી મેચમાં, મયંક અગ્રવાલની પંજાબ કિંગ્સે રવિન્દ્ર જાડેજાની ચેન્નાઈ સુપર કિંગ્સને 11 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા પંજાબે શિખર ધવનના અણનમ 88 રનના આધારે ચેન્નાઈ સામે 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોર સામે CSK 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈ તરફથી અંબાતી રાયડુએ 39 બોલમાં સૌથી વધુ 79 રનની ઇનિંગ રમી હતી. પંજાબ તરફથી ઋષિ ધવન અને કાગીસો રબાડાએ બે-બે વિકેટ લીધી હતી. આ જીત સાથે પંજાબના 8 પોઈન્ટ થઈ ગયા છે. પંજાબ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની સોમવારે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો પરાજય થયો છે. પંજાબ કિંગ્સે રોમાંચક મેચમાં ચેન્નાઈને 11 રને હરાવ્યું. CSKને છેલ્લી ઓવરમાં 27 રનની જરૂર હતી, એમએસ ધોની ક્રિઝ પર હતો પરંતુ તે ત્રીજા બોલ પર આઉટ થઈ ગયો અને ચેન્નાઈની આશા પર પાણી ફરી વળ્યું.

પંજાબ કિંગ્સે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 187 રન બનાવ્યા હતા, પંજાબ તરફથી શિખર ધવને 88 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માત્ર 176 રન બનાવી શકી અને 11 રનથી મેચ હારી ગઈ. ચેન્નાઈ સુપર કિંગ્સની છઠ્ઠી હાર છે અને હવે તેની પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ ઘણી ઓછી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સને છેલ્લા 12 બોલમાં 35 રનની જરૂર હતી અને એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા ક્રીઝ પર હતા. અર્શદીપ સિંહે આ ઓવરમાં માત્ર 8 રન આપ્યા, જેમાં એમએસ ધોની દ્વારા જડેલી બાઉન્ડ્રીનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં ચેન્નાઈને છેલ્લી ઓવરમાં 27 રનની જરૂર હતી અને પંજાબ માટે ઋષિ ધવનને બોલિંગ માટે લાવ્યો, જેણે શાનદાર બોલિંગ કરીને ટીમને મેચ જીતાડ્યો.

(12:14 am IST)