Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

રશિયાનું ખતરનાક હથિયાર તૈયાર, અંતરિક્ષ સુધી હુમલો

હાઈપર સોનિક મિસાઈલને ધ્વસ્ત કરવા સક્ષમઃરશિયન આર્મી માટે બ્રહ્માસ્ત્ર સમાન આ હથિયાર કોઈપણ ફાઈટર જેટ, હાઈપર સોનિક મિસાઈલ અને અંતરીક્ષમાં હાજર સેટેલાઈટ્સને ધ્વસ્ત કરવા સક્ષમ છે

નવીદિલ્હી, તા.૨૫

યુક્રેન પર આક્રમણ બાદ પ્રતિકારનો સામનો કરી રહેલા રશિયાએ કર્ણના કવચ જેવું હથિયાર વિકસાવ્યું છે. રશિયન આર્મી માટે બ્રહ્માસ્ત્ર સમાન આ હથિયાર કોઈપણ ફાઈટર જેટ, હાઈપર સોનિક મિસાઈલ અને અંતરીક્ષમાં હાજર સેટેલાઈટ્સને ધ્વસ્ત કરવા સક્ષમ છે. રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ સોયગૂએ દુનિયાની સૌથી આધુનિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-૫૦૦ પ્રોમેટે વિશે માહિતી આપતા જણાવ્યું કે, આ ડિફેન્સ સિસ્ટમ લાંબી રેન્જની એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ્સ અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી સજ્જ છે. તેનું નામ ગ્રીસના પ્રાચીન અગ્નિદેવતા પ્રોમેથિયસ પરથી રાખવામાં આવ્યું છે. એસ-૫૦૦ને કોઈપણ વિસ્તારમાં આસાનીથી તેનાત કરી શકાય છે. આ સિસ્ટમની ટારગેટ રેન્જ ૬૦૦ કિમીની છે. તે લગભગ ૮૦૦ કિમી દૂરથી પોતાના ટારગેટની ઓળખ કરી શકે છે. આ મિસાઈલ સિસ્ટમ એક સાથે અલગ અલગ પ્રકારના ૧૦ ટારગેટને ધ્વસ્ત કરી શકે છે. તેમાં લાગેલી મિસાઈલ ૨૫,૨૦૦ કિમી પ્રતિકલાકની સ્પીડથી હુમલો કરવા સક્ષમ છે. એસ- ૫૦૦માં લાગેલી મિસાઈલ સિસ્ટમ ટારગેટ તરફ જતી વખતે પોતાની દિશા બદલી શકે છે. આ મિસાઈલ સિસ્ટમને રશિયાના જૂના એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦, એસ-૩૦૦વીએમ૪, એસ-૩૫૦ અને અન્ય સિસ્ટમનું નવું વર્ઝન કહી શકાય છે. તેમાં લાગેલી મિસાઈલ્સ અંતરીક્ષ સુધી હુમલો કરી શકે છે.

(8:39 pm IST)