Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

નવો વેરિએન્ટ પહેલા કરતાં વધુ ઘાતક : ત્રીજા ડોઝની ચર્ચા વચ્ચે અનેક કંપનીઓ કરી રહી છે બુસ્ટર ડોઝની તૈયારી

આગામી 8થી 12 મહિનામાં કોરોના વૅક્સિનના બૂસ્ટર ડોઝની જરૂરિયાત ઉભી થઈ શકે

નવી દિલ્હી: કોરોના વાઈરસની બીજી લહેરે દેશભરમાં તબાહી મચાવી છે. આ દરમિયાન બ્રિટનમાં કોરોનાના ટ્રિપલ મ્યૂટેશનના સમાચાર સામે આવ્યાં છે. આ વેરિએન્ટ પહેલા કરતાં વધુ ઘાતક હોવાનું મનાય છે. આ સાથે જ કોવિડ વૅક્સિનનો બૂસ્ટર ડોઝ જે કોરોના વિરોધી રસીનો ત્રીજો ડોઝ હશેની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

અમેરિકન મહામારી એક્સપર્ટ એન્થની ફાઉસીએ જણાવ્યું કે, વર્તમાન સ્થિતિને જોતા એક વર્ષની અંદર બૂસ્ટર ડોઝની આવશ્યકતા ઉભી થઈ શકે છે. કોરોના વાઈરસ સામેની જંગમાં બૂસ્ટર ડોઝ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

ફાઈઝરના CEO આર્બર્ડ બાઉર્લાએ જણાવ્યું કે, આગામી 8થી 12 મહિનામાં કોરોના વૅક્સિનના બૂસ્ટર ડોઝની (Covid Vaccine Booster Dose) જરૂરિયાત ઉભી થઈ શકે છે. ફાઈઝરે આ દિશામાં કામ પણ શરૂ કરી દીધુ છે.

હકીકતમાં બૂસ્ટર ડોઝનું કામ ખૂબ જ મહત્વનું હોય છે. જેને ઈમ્યૂનોલૉજિકલ મેમોરી પણ કહેવામાં આવે છે. આપણી ઈમ્યૂન સિસ્ટમ, એ વૅક્સિનને યાદ રાખે છે, જે બૉડીમાં પહેલા જ લગાવવામાં આવી ચૂકી છે. એવામાં બૂસ્ટરનો એક ડોઝ ઈમ્યૂન સિસ્ટમને તાત્કાલીક એક્ટિવ કરી દે છે. જેની અસર લાંબા સમય સુધી જોવા મળે છે.

એક્સપર્ટનું માનીએ તો, વૅક્સિનનો એક મોટો ડોઝ દેવાથી એટલા સારા પરિણામ નથી જોવા મળતા, જેટલા નાના-નાના અનેક બૂસ્ટર ડોઝ આપવાથી મળે છે. નાના અને અનેક બૂસ્ટર ડોઝ વધારે સારી રીતે એન્ટીબૉડી ડેવલોપ કરે છે, કારણ કે દર વખતે મ્યૂટેશન બાદ વાઈરસ પહેલા કરતાં વધારે ઘાતક બની રહ્યો છે. આવી સ્થિતિમાં બૂસ્ટર ડોઝની આવશ્યક્તા વધી જાય છે. (Covid Vaccine Booster Dose) 

 હાલ ભારત સહિત વિશ્વમાં કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે કોવિડ વૅક્સિન આપવામાં આવી રહી છે. જેમાં રસીના બે ડોઝ વચ્ચે થોડું અંતર રાખવામાં આવ્યું છે. આ બન્ને ડોઝ મળીને જ વૅક્સિનનો પ્રાઈમ ડોઝ કહેવાય છે. એવામાં જો વર્ષમાં કે તેનાથી વધુ સમય બાદ કોઈ અન્ય ડોઝ આપવામાં આવે, તો તેને બૂસ્ટર ડોઝ કહેવાય છે.

(12:00 am IST)