Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કોરોના સારવારમાં સેકન્ડરી ઇન્ફેકશનથી ૭૮ ટકા દર્દીઓના મુત્યુ હોસ્પિટલમાં થયા

બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ પછી હવે યલો ફંગસના દર્દીઓ પણ ધ્યાનમાં આવ્યા: વ્હાઇટ અને યલોની સરખામણીમાં બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યા વધારે

નવી દિલ્હી : કોરોના વાયરસની બીજી લહેરમાં રાહત મળી છે ત્યારે બ્લેક ફંગસ નામની આફતે માથુ ઉચકયું છે. બ્લેક ફંગસ પણ કોરોનાની જેમ મહામારી બની છે તેના દરરોજ કેસ વધી રહયા છે. બ્લેક ફંગસને મ્યૂકર માઇકોસિસ પણ કહેવામાં આવે છે. બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ પછી હવે યલો ફંગસના દર્દીઓ પણ ધ્યાનમાં આવ્યા છે. જો કે વ્હાઇટ અને યલોની સરખામણીમાં બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યા વધારે છે. એક માહિતી મુજબ ભારતમાં ૮૦૦૦ થી વધુ દર્દીઓ મ્યૂકરમાઇકોસિસથી પીડાઇ રહયા છે. જેમના માટે પુરતી દવાઓ અને સારવાર ન હોવાથી દર્દી અને તેમના સગાઓ મુશ્કેલીમાં જોવા મળે છે. બ્લેક ફંગસ આમ તો નોવેલ કોરોના પહેલા પણ અસ્તિત્વ ધરાવતી હતી પરંતુ કોરાનાકાળમાં તેનું સંક્રમણ વધી ગયું છે.

આઇસીએમઆર દ્વારા એક સ્ટડી કરવામાં આવ્યો છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાની બીજી લહેરમાં કમસેકમ ૩.૬ ટકા દર્દીઓ સેકન્ડરી બેકટેરિયલ અથવા તો ફંગલ ઇન્ફેકશન ધરાવે છે. સ્ટડીના ડેટા મુજબ સેકન્ડરી સંક્રમણના દર્દીઓનો મુત્યુદર વધીને ૫૬.૭ ટકા થયો છે. હોસ્પિટલમાં સેકન્ડરી સંક્રમણ ધરાવતાનો મુત્યુદર ૭૮.૯ ટકા હતો.  

  આઇસીએમઆરના એપિડેમોલોજી એન્ડ કમ્યુનિકેબલ ડિસીઝ ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિક અને રિસર્ચ પેપરના લેખિકાના જણાવ્યા અનુસાર સેકન્ડરી ઇન્ફેકશનમાં સૌથી વધુ ૭૮ ટકા જેટલા મુત્યુ હોસ્પિટલમાં થયા છે. આ સંક્રમણ થવાના અણસાર હોસ્પિટલમાં દાખલ થયાના બે થી ત્રણ દિવસમાં શરુ થયા હતા. મોટે ભાગના સેમ્પલમાં નેગેટિવ બેકટેરિયા જે હોસ્પિટલમાં થયેલા સંક્રમણ માટે જવાબદાર હતા. કોરોના મહામારી દરમિયાન હોસ્પિટલો ચેપમુકત વાતાવરણ રાખવામાં બેપરવાહ રહી હોવાથી આવું જોવા મળતું હતું.

   આ દિશામાં ચોકકસ નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. ડબલ ગ્લેવિંગ અને ગરમીવાળા વાતાવરણમાં પીપીઇ કિટસનો ઉપયોગ થવાથી હેન્ડ હાઇજીન પર એટલું ધ્યાન આપવામાં આવ્યું ન હતું. આ સ્ટડીમાં આગળ જણાવવામાં આવ્યું છે કે સંક્રમણ પેદા કરવામાં રોગજનક કલેબસિએલા નિમોનિયા અને એસિનેટોબેકટર બાઉમાની હતા. સામાન્ય રીતે ઇ કોલી અગાઉના રિપોર્ટમાં સૌથી વધુ જોવા મળતા રોગકારક હતા. રોગજનક કલેબસિએલા નિમોનિયા અને એસિનેટોબેકટર બાઉમાની આ બંને એવા છે તેના સંક્રમણની સારવાર અઘરી છે કારણ કે મોટા ભાગના પ્રતિરોધી ક્ષમતાવાળા જીન ધરાવે છે. આથી હોસ્પિટલોમાં સંક્રમણ નિયંત્રણ માટે વધારે ધ્યાન આપવાની જરુરીયાત છે. જો કે આ રિપોર્ટમાં ફંગલ મ્યકરમાઇકોસિસ અંગે કશું જ જણાવવામાં આવ્યું નથી.

   
 
(12:00 am IST)