Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ટૂર ઓપરેટરની કફોડી સ્થિતિઃ લોનના હપ્તા પણ ચૂકવી નહીં શકે તેવી હાલત

પાંચ ટકા જ વેપારને લીધે સ્ટાફને પગાર ચૂકવવામાં પણ ફાંફા : ટ્રાવેલ એજન્ટ એસોસીએશને વિવિધ રાહત આપવા વડાપ્રધાનને પત્ર લખ્યો

સુરત, તા. ૨૫ :. કોરોનાની મહામારીને કારણે છેલ્લા ૧૪ મહિનામાં ટૂર અને ટ્રાવેલ્સ ઈન્ડસ્ટ્રીઝનો સમગ્ર ધંધો જ ભાંગી પડયો છે. આવી સ્થિતિમાં ટૂર ઓપરેટરો દ્વારા લેવામાં આવેલી લોનના હપ્તા ભરી શકતા નથી. તેઓને ત્યાં કામ કરતા કર્મચારીઓને પગાર ચુકવવામાં પણ રીતસરના ફાંફા પડી રહ્યા છે. આવા સમયે ટૂર ઓપરેટર માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી માંગણી સાથેનો પત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ટ્રાવેલ એજન્ટ એસોસીએશન દ્વારા પાઠવવામાં આવ્યો છે.

ટ્રાવેલ એજન્ટ એસોસીએશનમાં દક્ષિણ ગુજરાતના પ્રમુખ મિનેશ નાયકે જણાવ્યુ હતુ કે કોરોના પહેલા દેશની જીડીપીમાં ૧૦ ટકા યોગદાન અમારી ઈન્ડસ્ટ્રીઝનું હતું, પરંતુ કોરોનાના લીધે છેલ્લા ૧૪ મહિનામાં ટૂર ઓપરેટરોની હાલત કફોડી બની છે. તેમજ જેઓ પાસે લકઝરી બસ હતી તે પણ વેચવા કાઢવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. કોરોનાના લીધે હાલમાં વેપાર માંડ પાંચ ટકા જેટલો જ થઈ રહ્યો છે. તેને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ટૂર ઓપરેટર અને ટ્રાવેલ્સ માલિકોની હાલત જોઈને રાહત પેકેજ આપવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

  • આ રાહત આપવા માંગણી કરી

લોન માટેનો મોરેટોરીયમ પીરીયડ બે વર્ષનો આપવામાં આવેઃ એક વર્ષ સુધી ૧૦ હજાર રૂપિયા પ્રતિ મહિનાની સહાય આપવામાં આવેઃ પાંચ વર્ષ માટે ઓવરડ્રાફટ વધારી આપવામાં આવેઃ ઈન્કમટેક્ષમાં આગામી પાંચ વર્ષ સુધી રાહત આપવામાં આવેઃ ડિજીટલ પેમેન્ટ કરવામાં આવે તો ૨ થી ૩.૫ ટકાની રાહત મળવી જોઈએઃ વિવિધ પ્રકારના સરકાર ચાર્જમાં પણ રાહત આપવાની જાહેરાત થવી જોઈએ

(10:21 am IST)