Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મૉડર્ના વેક્સીન બાળકો પર અસરકારક હોવાનો દાવો : મોડર્નાએ અમેરિકાને સોંપી બાળકો પર પ્રભાવની રિપોર્ટ

નવી દિલ્હી :મોડર્નાએ દાવો કર્યો છે કે તેની કોરોના વાયરસની વેક્સીન વૃદ્ધોની સાથે જ 12 વર્ષના થઇ ગયેલા બાળકો પર અસરકારક છે. જે પછી આ રસી અમેરિકાના બાળકો માટે બીજો વિકલ્પ બનાવી શકાય છે. ખરેખર ફાઇઝરની કોવિડ રસી ત્યાંના બાળકોને પહેલેથી જ આપવામાં આવી રહી છે. આ બે સિવાય અન્ય કોઇ પણ રસી ઉત્પાદકે બાળકો પર કોઈ અસરનો દાવો કર્યો નથી.

ભારત સરકારના ઘણા ઉચ્ચ આરોગ્ય નિષ્ણાતોએ કોવિડની ત્રીજી લહેરની આગાહી કરી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સમયગાળા દરમિયાન બાળકો પર આ વાયરસની અસર વધુ જોવા મળશે. ઘણા રાજ્યોની સરકારોએ કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આવી સ્થિતિમાં જો વેક્સીન નિર્માતા કંપનીઓ મોટી સંખ્યામાં બાળકો પર થતી અસરોનો અભ્યાસ કરે તો ભારતને પણ તેનો ફાયદો થઈ શકે છે.

વેક્સીનની વૈશ્વિક આપૂર્તિની અછત હજી પણ યથાવત છે અને વિશ્વના મોટાભાગના દેશો મહામારીને નાથવા પુખ્ત વયના લોકો માટે રસીકરણને લઇ સંઘર્ષ કરી રહ્યા છે. જોકે અમેરિકા અને કેનેડાએ આ મહિનાની શરૂઆતમાં ફાઇઝર અને બાયોએનટેક દ્વારા નિર્મિત રસીને 12 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવાની મંજૂરી આપી હતી.

મોડર્ના આ મંજૂરી માટે લાઇનમાં છે અને તેણે કહ્યું હતું કે તેઓ આગામી મહિનાની શરૂઆતમાં અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને અન્ય વૈશ્વિક નિયમનકારોને કિશોરો સાથે સંબંધિત પોતાનો ડેટા સબમિટ કરશે. કંપનીએ 12થી 17 વર્ષની વય જૂથના 3700 બાળકોનો અભ્યાસ કર્યો છે. પ્રારંભિક પરિણામો દર્શાવે છે કે આ રસી કિશોરોની રોગપ્રતિકારક શક્તિને પુખ્ત વયના લોકોની જેમ અને હાથના સોજા, માથાનો દુ:ખાવો અને થાક જેવી સમાન આડઅસર સામે સુરક્ષા આપે છે.

(9:15 pm IST)