Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કોરોનાની બીજી લહેરને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ વાયરલ વોર ગણાવી

કોરોનાની બીજી લહેર તપાસનો વિષય : ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય : ભારતમાં બીજી લહેર શરૂ થઈ છે, જ્યારે બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂટાન કે અફઘાનિસ્તાનમાં તે ફેલાયો નથી

ઈન્દોર,તા.૨૫ : ભારત હજુ પણ કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે. બધા વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ તેને દેશ વિરુદ્ધ ચીનનું ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ચીનને પડકાર ફેંકી રહ્યા હતા અને તેના જવાબમાં ચીને વાયરલ વોર શરૂ કરી છે.

રિપોર્ટ મુજબ ઈન્દોરમાં ઓક્સિજન કોન્સેન્ટ્રેટર વિતરણ કરવા માટે આયોજિત એક સમારોહમાં કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે કોવિડ-૧૯ની બીજી લહેર સ્વાભાવિક રીતે ફેલાયેલી કે પ્રાયોજિત છે તે તપાસનો વિષય છે. તેમણે વધુમાં કહ્યું કે દુનિયામાં જો ચીનને કોઈએ પડકાર ફેંક્યો હોય તો તે ભારત અને મોદીજી છે.

કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે શું ચીનની વાયરલ વોર છે? તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. અમને લાગે છે કે ભારતમાં પરેશાની પેદા કરવા માટે ચીનની વાયરલ વોર છે. કારણ કે ભારતમાં કોવિડ-૧૯ની બીજી લહેર શરૂ થઈ છે. જ્યારે બાંગ્લાદેશપાકિસ્તાન, ભૂટાન કે અફઘાનિસ્તાનમાં તે ફેલાયો નથી.

દેશમાં ઓક્સિજનની ભારે કમી પર કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને ઓક્સિજન સંકટમાંથી બહાર કાઢવામાં કોઈ કસર છોડી નથી. તેમણે કહ્યું કે તમે ઓક્સિજન સંકટ દરમિયાન મોદીજી દ્વારા કરાયેલા કાર્યોની કલ્પના કરી શકો. નેવી, સેના અને વાયુસેનાનો ઉપયોગ કરાયો. અને જહાજો અને વિમાનો તથા ટ્રેનોના માધ્યમથી ઓક્સિજન ટેક્નરોને લાવવામાં આવી. શરૂઆતના - દિવસોમાં આપણને પરેશાની થઈ.

આપણને બીજી લહેરની તીવ્રતા અને તેના પ્રભાવ અંગે ખબર નહતી. કૈલાશ વિજયવર્ગીયએ એમ પણ કહ્યું કે ચીનની વાયરલ વોર ભારતની પ્રતિષ્ઠા ઓછી કરવા માટે રચાયેલા ષડયંત્રનો ભાગ છે. તેમણે કહ્યું કે આવામાં આપણે રાષ્ટ્ર માટે એકજૂથ થવું જોઈએ. આપણે પાર્ટી નહીં પરંતુ દેશ માટે કામ કરી રહ્યા છીએ.

(9:42 pm IST)