Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

અમેરિકામાં બાળકોની ‘કત્‍લેઆમ' : ૧૮ છાત્રો સહિત ૨૧ના મોત

ટેક્‍સાસમાં ૧૮ વર્ષના યુવકે એક પ્રાથમિક વિદ્યાલયમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો : હુમલાખોર ઠાર : ઘટનાથી સમગ્ર અમેરિકા સ્‍તબ્‍ધ : દેશમાં શોકનું મોજુ : રાષ્‍ટ્રપતિએ દુઃખ વ્‍યકત કર્યુ : ગનકલ્‍ચર સામે ઉઠયો વિરોધ

ટેક્‍સાસઃ અમેરિકાના ટેક્‍સાસમાં આવેલી એક સ્‍કૂલમાં ફાયરિંગની હચમચાવી દેનારી ઘટના બની છે. હુમલાખોરે સ્‍કૂલમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે, જેમાં ૧૮ નિર્દોષ બાળકોના મોત થઈ ગયા છે. જયારે શિક્ષક સહિત ત્રણ સ્‍ટાફના જીવ પણ ગયા છે. ટેક્‍સાસના સીનેટરમાં બનેલી આ ઘટનામાં કુલ ૨૧ લોકો ઘાયલ થયા છે. હુમલાખોરનું પોલીસની જવાબી કાર્યવાહીમાં મોત થઈ ગયું છે. ટેક્‍સાસના ગવર્નર ગ્રેટ એબોટે પ્રાથમિક સ્‍કૂલની અંદર થયેલી આ ઘટના અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે હુમલાખોરની ઉંમર ૧૮ વર્ષ હતી.

ટેક્‍સાસની જે સ્‍કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્‍યું તેનું નામ રોબ એલિમેન્‍ટ્રી સ્‍કૂલ છે. હુમલાખોર ૧૮ વર્ષના યુવક હતા, જેણે ફાયરિંગ કરીને ૧૮ વર્ષના માસૂમ વિદ્યાર્થિઓનો ભોગ લીધો છે. ટેક્‍સાસના ગવર્નર ગ્રેટ એબોટના જણાવ્‍યા પ્રમાણે પોલીસે વળતી કાર્યવાહી કરીને હુમલાખોરને ઠાર કર્યો છે. આ ઘટના અંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને ગ્રેટ એબોટ સાથે વાત કરી અને તમામ શક્‍ય મદદ કરવાનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ટેક્‍સાસની પ્રાથમિક સ્‍કૂલમાં થયેલા હુમલાની ઘટના અંગે નિંદા વ્‍યક્‍ત કરી છે. તેમણે કહ્યું કે એક રાષ્ટ્રના રૂપમાં આપણે પૂછવું પડશે કે ભગવાનના નામે ક્‍યાં સુધી બંદૂકની લોબી માટે ઉભા હશે અને તેની સામે શું કરી શકીએ? જે માતા-પિતા તેમના બાળકોને ફરી ક્‍યારેય જોઈ નહીં શકે, તેમના વિશે વિચારવાની જરૂર છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે હવે એક્‍શન લેવાનો સમય આવી ગયો છે. આપણે એ લોકોને જણાવવાની જરૂર છે જેઓ કાયદાની વિરુદ્ધમાં જઈને બંદૂક ઉઠાવે છે, તેમને અમે માફ નહીં કરીએ.

પોલીસના એક અધિકારીએ જણાવ્‍યું કે હુમલાખોર શખ્‍સ જૂનો વિદ્યાર્થી છે. આ ઘટના સૈન એન્‍ટોનિયોથી ૮૦ કિલોમીટર પમિમાં આવેલા એક નાનકડા વિસ્‍તાર ઉવાલ્‍ડેની છે. હુમલાખોર શખ્‍સે ઘટના પહેલા પોતાની કાર સ્‍કૂલની બહાર મૂકી હતી. પછી સ્‍કૂલમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ શરુ કર્યું હતું. પોલીસના જણાવ્‍યા પ્રમાણે હુમલાખોર પાસે હેન્‍ડગન પણ હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને ઘટના પર શોક વ્‍યક્‍ત કર્યો છે. સાથે જ અધિકારીઓને આ મામલે જરુરી નિર્દેશ આપ્‍યા છે.

અમેરિકાની સ્‍કૂલમાં ફાયરિંગની ઘટના અગાઉ પર બની છે. આ પહેલા ડિસેમ્‍બર ૨૦૧૨માં પણ ટેક્‍સાસની એક સ્‍કૂલમાં ગોળીબારની ઘટના બની હતી. જેમાં સેન્‍ડી હુક સ્‍કૂલમાં ફાયરિંગ થયું હતું, આ ઘટનામાં ૧૬ લોકોના મોત થઈ ગયા હતા. આ દુઃખદ ઘટનાને લઈને ગવર્નરે જણાવ્‍યું કે સ્‍કૂલમાં આવી ઘટના કઈ રીતે બની તેની તપાસ કરવામાં આવી રહી છે. આખરે ૧૮ વર્ષનો હુમલાખોર ગન સાથે કઈ રીતે સ્‍કૂલમાં પહોંચ્‍યો?

૨૩ વર્ષ પહેલા ૨૦ એપ્રિલ ૧૯૯૯માં પણ અમેરિકાના ઇતિહાસમાં સ્‍કૂલમાં ગોળીબારની હચમચાવી દેનનારી ઘટના બની હતી. જયારે સ્‍કૂલમાં ભણતા બે વિદ્યાર્થીઓ રાઈફલ, પિસ્‍તોલ અને વિસ્‍ફોટક લઈને પહોંચ્‍યા હતા અને અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી. તેમણે તેમની સાથે ભણતા ૧૨ વિદ્યાર્થીઓના જીવ લીધા હતા. આ દરમિયાન ૨૧ લોકો ઘાયલ થયા હતા.

પાછલા મહિને એપ્રિલમાં અમેરિકાના રાજય કેલિફોર્નિયાની રાજધાની સેન્‍ક્રોમેન્‍ટોંના એક વ્‍યસ્‍ત વિસ્‍તારમાં ફાયરિંગની ઘટના બની હતી. આ હુમલામાં ૧૫ જેટલા લોકોના મોત થયા હતા.

(3:31 pm IST)