Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

પંજાબમાં એક કુટુમ્બ એક ટિકિટથી ચાન્ની સહિત ઘણા નેતાઓને પડશે મુશ્કેલી : કોઈપણ ધારાસભ્ય મત વિસ્તાર બદલી નહીં શકે

કોંગ્રેસ પ્રદેશ કારોબારી અને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ સિદ્ધુએ નિશ્ચિત કરેલા પક્ષના ચૂંટણી નિયમોથી અનેક નેતાઓ મુશ્કેલીમાં

ચંડીગઢ : પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે એક કુટુમ્બમાં એક જ ટિકિટ ફાળવવાનો નિર્ણય લીધો છે.

આ ઉપરાંત કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીએ તેવો પણ નિર્ણય કર્યો છે કે કોઈ પણ વિધાયક પોતાનો મત વિસ્તાર બદલી નહીં શકે.

એક કુટુમ્બ એક ટિકિટથી ચાન્ની સહિત ઘણા નેતાઓને તકલીફ થશે. ગુરુવારે રાત્રે કોંગ્રેસ મહામંત્રી અજય માકનનાં નેતૃત્વ નીચે ફરીથી મળેલી કોંગ્રેસની પ્રદેશ કારોબારીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે એવું કહેવાય છે કે પ્રદેશ અધ્યક્ષ નવજોત સિધ્ધુનો આ માટે આગ્રહ હતો.

દરમિયાન કોંગ્રેસે વિધાનસભાની બેઠકો માટે ઝડપભેર તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. રાજ્યના પ્રભારી હરીશ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય વિધાનસભાની ૧૧૭ બેઠકોમાંથી ૯૦ ઉપર તો સહમતી સધાઈ ગઈ છે. પાર્ટીએ વિજય મેળવી શકે તેવા ઉમેદવારોની સર્વે પણ કરી દીધી છે. આ બધાથી જાણવા મળ્યું છે કે, કેટલાક મંત્રીઓ તેવા છે કે જેઓ સરળતાથી ચૂંટણી જીતી શકે તેમ છે. હવે કોંગ્રેસ કમીટીની આગામી સપ્તાહે ફરી બેઠક મળવાની છે. તે પછી ૩૦ થી ૩૫ ઉમેદવારો માટે જાહેરાત થવા સંભવ છે. દરમિયાન શનિવારે સ્ક્રીનીંગ કમીટીની ફરી એકવાર બેઠક પણ મળવાની છે.

'એક પરિવાર એક ટિકીટ' તેવા પ્રદેશ કોંગ્રેસના નિર્ણયથી રાજ્યના મુખ્યમંત્રી ચરણજિતસિંહ ચાન્નીને સૌથી પહેલો ફટકો પડે તેમ છે. કહેવાય છે કે ચાન્ની પોતાના ભાઈ ડૉ. મનોહર સિંહને 'બસ્સી પઠાના' મત ક્ષેત્રમાં ઉમેદવાર તરીકે ઉભા રાખવા માગતા હતા. તે ઉપરાંત કપૂરથલાના વિધાયક રાણા ગુરજિતસિંહ પોતાના પુત્રને 'સુલતાનપુર લોધી'ની બેઠક ઉપરથી ઊભા રાખવા માગતા હતા. તેટલુંજ નહીં પરંતુ પંજાબ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ પ્રતાપસિંહ બાજવા પોતાના ભાઈને, ઉમેદવાર બનાવવા કાર્યરત થઈ રહ્યા હતા. ઉપરાંત, વરિષ્ઠ નેતા રાજીન્દર કૌર ભટ્ટલ અને બ્રહ્મ મહીન્દ્રા પણ પોતાના પુત્રોને ચૂંટણી લડાવવાની તૈયારીમાં હતા.

આ સર્વે કોંગ્રેસ પ્રદેશ કારોબારી અને વિશેષતઃ પ્રદેશ અધ્યક્ષે નિશ્ચિત કરેલા પક્ષના ચૂંટણી નિયમોથી મુશ્કેલીમાં મુકાઈ ગયાં છે.

(12:00 am IST)