Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

નવા વર્ષે પણ મોંઘવારી પીછો નહિ છોડેઃ અનેક ચીજવસ્તુઓ મોંઘીદાટ થશે

આમ આદમીને કાળઝાળ મોંઘવારીમાં કોઈ રાહત મળે તેવુ જણાતુ નથીઃ ચાલુ વર્ષે પેટ્રોલ, ડીઝલ, અનાજ, કઠોળ, રાંધણ ગેસ સહિતની ચીજોમાં બેફામ ભાવ વધારો થયો છે, નવા વર્ષે વધુ એક રાઉન્ડ આવવાનો છે : ૨૦૨૨ની શરૂઆતમાં કાર, સ્કૂટર, એસી, ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન, એફએમસીજી પ્રોડકટના ભાવ વધશેઃ તમામ કંપનીઓ ભાવ વધારાનો ડામ આપવાની તૈયારીમાં: સ્ટીલ, કોપર, પ્લાસ્ટિક, એલ્યુમિનીયમનો ભાવ વધારો જવાબદાર

નવી દિલ્હી, તા. ૨૫ :. કોરોનાકાળમાં મોંઘવારીએ સામાન્ય માણસોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ચાલુ વર્ષે તમામ ચીજવસ્તુઓના ભાવો બેફામ વધ્યા છે તો હવે આવી રહેલા નવા વર્ષમાં પણ મોંઘવારી પીછો છોડવાની નથી. ભારતની મોટાભાગની મેન્યુફેકચરીંગ અને કન્ઝયુમર ગુડ્સ કંપનીઓ આવતા કેટલાક મહિનામાંઓમાં વધુ એક ભાવ વધારો કરવા વિચારી રહી છે. આ વર્ષે આ કંપનીઓએ બેથી ત્રણ વખત તો ભાવ વધારો કરી જ દીધો છે. તેઓ કહે છે કે કાચા માલના ભાવમાં વધારો, ટ્રાન્સપોર્ટેશન, લેબર અને સપ્લાય ચેઈન અવ્યસ્થિત થતા ભાવ વધારાની ફરજ પડી છે. એફએમસીજી કંપનીઓ જણાવે છે કે તેઓ આવતા ત્રણ મહિનામાં ૪ થી ૧૦ ટકાનો ભાવ વધારો કરશે. જો કે તેઓને આશંકા છે કે વેચાણમાં પણ ઘટાડો થશે. કન્ઝયુમર ઈલેકટ્રોનિકસ કંપનીઓએ આ મહિને જ ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, એ.સી. વગેરેમાં ૩ થી ૫ ટકાનો વધારો કરી દીધો છે અને તેઓ હજુ આવતા મહિને ૬ થી ૧૦ ટકા જેટલો ભાવ વધારો કરવા જઈ રહી છે.

ભારતની ઓટો કંપનીઓ પણ આગામી દિવસોમાં ભાવ વધારો કરવા જઈ રહી છે. મારૂતિ, હ્યુન્ડાઈ, ટાટા મોટર્સ, મહિન્દ્રા, સ્કોડા, હીરો મોટોકોર્પ વગેરેેએ આ વર્ષે અનેક વખત ભાવો વધાર્યા છે જ્યારે હવે મારૂતિ અને હીરોએ કહી દીધુ કે તેઓ ૨૦૨૨માં ભાવ વધારો કરશે.

અત્રે નોંધનીય છે કે એફએમસીજી કંપનીઓ આવતા ૩ મહિનામાં વિવિધ પ્રોડકટના ભાવ ૪ થી ૧૦ ટકા વધારશે. એચયુએલ, ડાબર, બ્રિટાનીયા, મેરીકો અને અન્યોએ છેલ્લા ૬ મહિનામાં ૫ થી ૧૨ ટકાનો ભાવ વધારો કરી દીધો છે. ડાબરે કહ્યુ છે કે તે ૪ ટકા જેટલો ભાવ વધારો કરવા જઈ રહેલ છે. ક્રૂડ, પામ ઓઈલ તથા પેકેજીંગ કોસ્ટના ભાવ વધતા પ્રોડકટના ભાવ વધારવાની ફરજ પડી છે તેવુ પાર્લે, ડાબર સહિતની કંપનીઓનું કહેવુ છે. પાર્લે પ્રોડકટ પણ આવતા કવાર્ટરમાં ૪ થી ૫ ટકાનો ભાવ વધારો કરશે.

કન્ઝયુમર ડયુરેબલ ઈન્ડસ્ટ્રીઝના જણાવ્યા પ્રમાણે ઈનપુટ કોસ્ટને કારણે વિવિધ કોમોડીટી જેમ કે સ્ટીલ, કોપર, એલ્યુમિનીયમ, પ્લાસ્ટિક વગેરેના ભાવ ૨૨ થી ૨૩ ટકા વધ્યા છે.

હીરો મોટોકોર્પ કહે છે કે તે ૪ જાન્યુઆરીથી ૨૦૦૦ સુધીનો ભાવ વધારો કરવા જઈ રહેલ છે.

સ્ટીલના ભાવ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા કવાર્ટરમાં કિલોએ ૭૭ રૂ. વધી ગયા છે. એપ્રિલ, મે ૨૦૨૦માં ભાવ ૧ કિલોના રૂ. ૩૮ હતા, જ્યારે કોપરના ભાવ ટને ૫૨૦૦ ડોલર હતા વધીને ૯૭૦૦ ડોલર થઈ ગયા છે. એલ્યુમિનીયમના ભાવ ૧૭૦૦-૧૮૦૦ ડોલર પ્રતિ ટન હતા તે વધીને ૨૭૦૦ થી ૨૮૦૦ ડોલર થઈ ગયા છે. સ્ટીલના ભાવને કારણે બધુ મોંઘુ થઈ ગયુ છે.

બળતણનો કોલસો પણ ચાલુ વર્ષની શરૂઆતમાં એક કવીન્ટલના રૂ. ૧૮૦ હતા તે વધીને રૂ. ૪૩૨ થઈ ગયા છે.

આ ઉપરાંત દરીયા માર્ગે જતા-આવતા સામાનના ભાવ પણ વધી ગયા છે. એટલુ જ નહિ ચાલુ વર્ષે પેટ્રોલ અને ડીઝલ, રાંધણ ગેસ, કઠોળ, અનાજ, સીએનજી-પીએનજીના ભાવ પણ વધી ગયા છે.

(10:00 am IST)