Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ઓમિક્રોન વેરિયન્ટનો તરખાટ

૧૨ રાજ્યોમાં ક્રિસમસ -ન્યુ યર પાર્ટી ઉપર પ્રતિબંધ

યુપી-એમપી-ગુજરાત સહિત અનેક રાજ્યોમાં નાઇટ કર્ફયુ

નવી દિલ્હી,તા. ૨૫: ભારતમાં ઓમિક્રોનના વધતા કેસ અને કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે દિલ્હી, યુપી, હરિયાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિત ૧૨ રાજ્યોમાં નવા વર્ષ અને ક્રિસમસના જશ્ન ઉપર નિયંત્રણો મૂકી દીધા છે. ક્રિસમસ અને ન્યુ યરને જોતા અનેક રાજ્યોએ રાત્રી  કર્ફયુનું પણ એલાન કર્યું છે. યુપીામં આજે નાઇટ કર્ફયુ રહેશે.

દેશમાં અત્યાર સુધીમાં ૩૪૧ લોકો જીવલેણ કોરોના વાયરસના ખતરનાક ઓમિક્રોન પ્રકારથી સંક્રમિત થયા છે. કોરોનાના વધતા ખતરાને જોતા વડાપ્રધાન મોદીએ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠક બાદ પીએમ મોદીએ દેશવાસીઓને સાવચેત અને સતર્ક રહેવાની સલાહ પણ આપી હતી. ઓમિક્રોનની ધમકી વચ્ચે પીએમ મોદીએ કોરોનાના આવનારા મોજા સામે દેશનું મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર કેટલું તૈયાર છે તેની સંપૂર્ણ અપડેટ લીધી.

સાથે જ કેન્દ્ર દ્વારા નાતાલ અને નવા વર્ષની ઉજવણી, શું કરવું અને શું ન કરવું તે અંગે રાજય સરકારોને સૂચનાઓ આપવામાં આવી છે. જે બાદ સાંજ સુધીમાં અનેક રાજયોએ પોતાને ત્યાં કડક પ્રતિબંધ જાહેર કર્યા છે.

મધ્ય પ્રેદશ સરાકરે રાત્રે ૧૧ વાગ્યાથી ૫ વાગ્યા સુધીના નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. ઉપરાંત જિમ, કોચિંગ, થિયેટર, સિનેમા હોલ, સ્વીમિંગ પૂલમાં ૧૮ વર્ષથી વધુની ઉંમરના હોય અને જેઓએ વેકિસનના બંને લીધા હોય તેમને જ એન્ટ્રી મળશે.

દિલ્હીમાં નાતાલ અને નવા વર્ષની જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્ય છે. ઉપરાંત હોટલ, બાર કે રેસ્ટોરાંમાં ૫૦% સિટિંગ કેપિસિટીને મંજૂરી હશે.

યૂપીમાં નોઈડા અને લખનઉમાં યોગી સરકારે ૩૧ ડિસેમ્બર સુધી કલમ ૧૪૪ લગાવી દીધી છે.

ઓમિક્રોનની નવી લહેરને જોતા તેલંગાણાના લોકો પણ વધુ ચિંતિત બન્યા છે. આ ક્રમમાં ત્યાંના એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગામમાં ઓમિક્રોનના કેસ ન વધે તે માટે ગ્રામજનોએ આ નિર્ણય લીધો છે.

કર્ણાટકમાં ૩૦ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી સુધી નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે ક્રિસમસની ઉજવણી પર કોઈ પ્રતિબંધ નથી લગાવવામાં આવ્યો છે. પણ ચર્ચમાં મોટી ભીડ એકઠી ન થાય તેના આદેશ આપવામાં આવ્યા છે.

તમિલનાડુમાં રાજય સરકારે નાતાલ અને નવા વર્ષની ઉજવણીને મંજૂરી આપી છે. પણ હોટલ-કલબમાં માત્રા કોરોના વેકિસનેટ હશે તેમને જ એન્ટ્રી આપવાની જાહેરાત કરી છે. ચેન્નાઈના દરિયાઈ બીચ પર પણ મર્યાદિત સંખ્યામાં લોકો નવા વર્ષની ઉજવણી કરી શકશે.

મહારાષ્ટ્રમાં ફરી સ્કૂલ બંધ કરવામાં આવી છે. જયારે નવા વર્ષની ઉજવણી અને ક્રિસમસની ઉજવણીને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. મુંબઈમાં હવે આયોજન સ્થળના ૫૦% ક્ષમતા સુધી જ લોકો એકઠાં થઈ શકશે. નાસિકમાં વેકિસન નહીં લેનારને મોલ્સ અને સરકારી ઓફિસમાં જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ઓડિશામાં નવા વર્ષની ઉજવણીની પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રાજયની હોટલ્સ, રેસ્ટોરાં અને પબ્લિક પ્લેસ પર આ પ્રતિબંધ ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીએ લાગુ રહેશે. 

(10:03 am IST)