Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

પ્રિન્ટેડ પેપરમાં ખોરાક આપવા પર પ્રતિબંધઃ ઝેરી હોય છે શાહીઃ કેન્સર પણ થઈ શકે છે

એફડીએ એ આદેશમાં કહ્યું કે પ્રિન્ટેડ પેપરમાં ઉપયોગમાં લેવાતી શાહી કેમિકલ યુકત હોય છેઃ તેથી આવા કાગળમાં ખાદ્ય વસ્તુઓ આપી શકાય નહી

મુંબઇ, તા.૨૫:મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ પ્રિન્ટેડ પેપરમાં ખાદ્ય પદાર્થોની ડિલિવરી પર પ્રતિબંધ (Ban)  મૂકયો છે. આ અંગે આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ખાદ્ય સામગ્રી પ્રિન્ટેડ પેપરમાં વેચવી નહીં. કારણ કે તેની શાહી (Ink)  સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક  હોય છે. રાજયના તમામ વેપારીઓને આવા કોઈપણ પ્રિન્ટેડ પેપરમાં ખાદ્યપદાર્થો આપવાનું તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને વડાપાવ, પૌંવા, મીઠાઈ અને ભેળ જેવી વસ્તુઓ. સામાન્ય રીતે ફેરી અને રેકડીઓ પર પ્લેટને બદલે કાગળનો ઉપયોગ થાય છે. આદેશ મુજબ આવો સામાન આપનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

રસ્તાની બાજુમાં વેચાતી મોટાભાગની ખાદ્ય વસ્તુઓ કાગળમાં વીંટાળીને જ  આપવામાં આવતી હોય છે. એફડીએએ કહ્યું કે જો તેને તાત્કાલિક બંધ નથી કરવામાં આવતું તો વેચાણકર્તાઓએ કડક કાર્યવાહી માટે તૈયાર રહે. એફડીએ એ આદેશમાં કહ્યું કે પ્રિન્ટેડ પેપરમાં ઉપયોગમાં લેવાતી શાહી કેમિકલ યુકત હોય છે. તેથી આવા કાગળમાં ખાદ્ય વસ્તુઓ આપી શકાય નહી.

એફડીએના જોઈન્ટ કમિશનર શિવાજી દેસાઈએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૬માં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશ માટે એક  એડવાઈઝરી જાહેર કરી હતી. આ એડવાઈઝરીમાં ખાદ્ય પદાર્થોને પ્રિન્ટેડ પેપરમાં લપેટી રાખવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ અંગે અનેક ફરિયાદો ઉઠી છે કે હાલમાં પણ અખબારોમાં ખાદ્યપદાર્થો આપવામાં આવે છે. આથી આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

FSSAI એ ૬ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ આ સંબંધમાં આદેશ જાહેર કર્યો હતો. તેમાં તમામ રાજયોને કહેવામાં આવ્યું હતું કે ભારતમાં ખાદ્યપદાર્થોનું અખબારોમાં પેકેજીંગ કરવાની અને આપવાની પ્રથા સામાન્ય બની ગઈ છે. જે ફૂડ સેફ્ટી માટે ખતરો છે. આ પ્રકારના ખાદ્ય પદાર્થોને ખાવાથી સ્વાસ્થ્ય માટે જોખમ છે. અહી સુધી કે , ખોરાક ભલે સ્વચ્છતાપૂર્વક તૈયાર કરવામાં આવ્યો હોય પણ શાહીના સંપર્કમાં આવવાથી તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.

આદેશમાં કહેવામાં આવ્યું હતું કે  ભારતીયોને આમ કરીને ધીમે ધીમે ઝેર આપવામાં આવી રહ્યું છે. કારણ કે નાની હોટેલો, ફેરિયાઓ અને દ્યરોમાં પણ આ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઓર્ડર મુજબ ન્યૂઝ પેપર, કાર્ડબોર્ડ રિસાયકલ પેપરમાંથી બનાવવામાં આવે છે, જેમાં ઘણા બધા કેમિકલ હોય છે. આ રસાયણો ઓર્ગન અને રોગપ્રતિકારક શકિતને અસર કરે છે. તેનાથી કેન્સર સંબંધિત બીમારીઓ થઈ શકે છે.

(10:42 am IST)