Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

આટલી મોટી સજા! ૮૦૦૦ વર્ષ સુધીની પતિને મળી જેલની સજા

છૂટાછેડાની આટલી મોટી સજા ૮૦૦૦ વર્ષ સુધીની પતિને મળી જેલની સજા, રજા માણવા અન્ય દેશમાં પણ જઈ શકશે નહીં

તેલઅવિવ, તા.૨૫: ઈઝરાયેલના છૂટાછેડા સાથે જોડાયેલો એક મામલો આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં ઈઝરાયેલની પણ ટીકા થઈ રહી છે. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયન નાગરિક નોમ હુપર્ટ પર ઈઝરાયેલ છોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કારણ કે તેની પત્નીએ તેની સામે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો છે. પ્રતિબંધની અવધિ અને ઇઝરાયેલની અદાલતે નિર્ધારિત કરેલ ભથ્થાની રકમ અંગે હંગામો થયો છે.

ઈઝરાયેલની કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, નોમ હપર્ટ ૩૧ ડિસેમ્બર ૯૯૯૯ સુધી દેશ છોડી શકે નહીં. એટલે કે એક રીતે તેઓને આગામી ૮,૦૦૦ વર્ષ સુધી 'કેદ'માં રહેવું પડશે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, જો હુપર્ટ આ સજામાંથી બચવા માંગે છે, તો તેણે ૩ મિલિયન ડોલર (લગભગ ૪૭ કરોડ રૂપિયા) એલિમોની અને બાળકોના ઉછેર માટે ચૂકવવા પડશે.

કોર્ટે કહ્યું છે કે, જો ઓસ્ટ્રેલિયન નાગરિક ૩ મિલિયન ડોલર ચૂકવે છે, તો તેને સજામાંથી મુકત કરી શકાય છે, નહીં તો તેણે ઇઝરાયેલમાં જ રહેવું પડશે. આ મામલો બ્રિટિશ જર્નાલિસ્ટ મરિયાને અઝીઝીએ ઉઠાવ્યો છે. તે કહે છે કે, આ પ્રકારની સમસ્યા દ્યણા ઓસ્ટ્રેલિયન નાગરિકોને થઈ શકે છે, તેથી તેના વિશે કંઈક કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, જો કે દૂતાવાસ તરફથી આ સંબંધમાં કોઈ માહિતી મળી નથી.

ઓસ્ટ્રેલિયાનો રહેવાસી આ વ્યકિત ૨૦૧૨માં પોતાના બે બાળકો સાથે ઈઝરાયેલમાં રહેવા આવ્યો હતો. ત્યારપછી તેની પત્નીએ તેની સામે ઈઝરાયેલની કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. કોર્ટે આપેલો ચુકાદો સાંભળીને વ્યકિતના હોશ ઉડી જાય છે. તે ફસાયેલો અનુભવે છે. સાથે જ માનવાધિકાર કાર્યકર્તાઓએ પણ આ સજા પર સવાલ ઉઠાવ્યા છે. કોર્ટના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે, નોમ હુપર્ટ રજાઓ અને કામ માટે પણ બહાર ન જઈ શકે.

ઓસ્ટ્રેલિયન મીડિયા સાથે વાત કરતા નોમ હુપર્ટે કહ્યું, મારા જેવા દ્યણા લોકો છે જેઓ સ્થાનિક છૂટાછેડાના કાયદાની જાણકારી ન હોવાના કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આવા કઠોર કાયદા અંગે વધુને વધુ જાગૃતિ ફેલાવવાની જરૂર છે. તેણે કહ્યું કે હવે હું મારા દેશના અન્ય લોકોને તેના વિશે જણાવીશ અને તેમને જાળમાં ફસાતા અટકાવવા માટે કામ કરીશ.

(10:42 am IST)