Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

UKમાં નોંધાયા કોવિડના રેકોર્ડ ૧,૨૨,૧૮૬ કેસ : એક સપ્તાહમાં થયો ૪૮ ટકાનો વધારો

આ સમયે યુકે સહિત યુરોપના મોટાભાગના દેશ કોવિડની ભીષણ લહેરનો સામનો કરી રહ્યા છે

લંડન તા. ૨૫ : યુકે રાષ્ટ્રીય આરોગ્ય પ્રદાતા સંસ્થાએ આજે દેશમાં નોંધાયેલા નવા કોરોના કેસની વિગતો જાહેર કરી છે. તે પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં યૂકેમાં નોંધાયેલા કોવિડના કુલ કેસની સંખ્યા કાલની તુલનામાં વધીને આજે ૧૨૨,૧૮૯ થઈ ગઈ છે. તો કોવિડને કારણે વધુ ૧૩૭ લોકોના મૃત્યુ થયા છે.

ઉલ્લેખનીય છે કે આ સમયે યૂકે સહિત યુરોપના મોટા ભાગના દેશ કોવિડની ભીષણ લહેરનો સામનો કરી રહ્યાં છે. યૂકે પણ તેમાંથી બાકાત નથી. સ્થિતિ એવી છે કે આજે કોવિડના તમામ રેકોર્ડ તૂટી ગયા અને ત્યાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. ક્રિસમસ અને નવા વર્ષની તૈયારીઓ વચ્ચે અહીં સ્વાસ્થ્ય વિભાગે કેસોની સંખ્યામાં મોટો વધારો નોંધ્યો છે.

યૂકેના સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે કોવિડના નવા ઓમિક્રોન વેરિએન્ટને કારણે ત્યાં એક સપ્તાહમાં લગભગ ૪૮ ટકા વધારો જોવા મળ્યો છે. તે પ્રમાણે છેલ્લા એક સપ્તાહમાં યૂકેમાં લગભગ ૭ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તો સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા પ્રમાણે યૂકેની હોસ્પિટલમાં દાખલ થવાનો દર ૮ ટકા વધ્યો છે અને છેલ્લા ૨૪ કલાકમાં લગભગ ૧૧૭૧ કોવિડ કેસ રજીસ્ટર્ડ થયા છે.

આ વચ્ચે યૂકેના પ્રધાનમંત્રી બોરિસ જોનસને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરતા ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે. ક્રિસમસના એક દિવસ પહેલા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવેલા એક વીડિયોમાં તે દેશની જનતાને ક્રિસમસ અને નવું વર્ષ ઘરમાં ઉજવવાની અપીલ કરી રહ્યાં છે. આ સિવાય તેમણે તમામ નાગરિકોને કોવિડ રસીકરણ કરાવવાની અપીલ કરી છે.

(10:44 am IST)