Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

કોરોના કવચ પોલીસી હેઠળ

૧ લાખ ૬૩ હજાર મેળવવા દાખલ કરેલ ફરીયાદ રદ્દ કરતી રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગ

વીમા કંપનીના એડવોકેટ નરેશભાઈ સીનરોજાની દલીલને માન્ય રાખતું આયોગ

રાજકોટ, તા.૨૪: શહેરના રહેવાસી દિપક હસમુખભાઈ વીઠલપરાએ ધી ઓરીએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની પાસેથી કોરોના કવચ પોલીસી ઉતરાવેલ અને કોરોના કવચ પોલીસી લીધાના ૭ દિવસની અંદર જ તેને તાવ, શરદી અને ઉધરસ જેવી તકલીફો શરૂ થઈ ગયેલ હતી. તેમ છતાં તે જાણતા હતા કે પોલીસી લીધાના ૧૫ દીવસની અંદર કોરોના થાય તો તે વીમા કંપની દ્વારા કવર કરવામાં આવતુ નથી. તેથી ૮ થી ૧૦ દીવસ સુધી તેણે કોરોનાનો રીપોર્ટ કરાવ્યો નહી અને ત્યારબાદ જેવા ૧૫ દિવસ પુરા થયા તેવા ૧૬માં દીવસે કોરોનાનો રીપોર્ટ કરાવેલ જે પોઝીટીવ આવતા રાજકોટની એચ.સી.જી. હોસ્પિટલમાં અંદરના દર્દી તરીકે સારવાર મેળવેલ હતી. ત્યાંથી ડીસ્ચાર્જ લીધા બાદ વીમા કંપની સમક્ષ કલેઈમ નોંધાવેલ હતો જે કલેઈમ ઈન્વેસ્ટીગેશનમાં વીમા કંપનીને જાણ થયેલ કે દાખલ થયાના ૭ દિવસ પહેલાથી જ તેને કોરોનાના લક્ષણો હતા તેમ છતાં તેમણે રીપોર્ટ કરાવેલ ન હતો. તેથી વીમા કંપનીએ આ કલેઈમ રદ કરેલ હતો.

વીમા કંપનીના નિર્ણયથી નારાજ થઈને દીપક વીઠલપરાએ રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ આયોગ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી. જેમા ધી ઓરીએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની લીમીટેડ તરફે સીનીયર એડવોકેટ શ્રી નરેશભાઈ એમ. સીનરોજા અને ચિરાગ જી. છગ એડવોકેટએ વિગતવાર તમામ મેડીકલ પેપર્સ રજુ કરી લેખીત જવાબ દાખલ કરેલ હતો અને તેમની દલીલમાં નામદાર રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગનું ધ્યાન દોરેલ હતું કે હાલના ફરીયાદીએ જાણી જોઈને વીમા પોલીસીમાં કવર થવા માટે કોરોના રીપોર્ટ ૭ દિવસ બાદ કરાવેલ અને સારવાર પણ મોડેથી લીધેલ હતી. જયારે તેને કોરોના લક્ષણો તો ૭ દિવસ પહેલાથી જ દેખાયા હતા. માટે હાલનો કલેઈમ ચુકવવા પાત્ર થતો નથી. વીમા કંપનીના એડવોકેટની આવી દલીલને ધ્યાને લઈને રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ આયોગના મુખ્ય ન્યાયાધીશ વી.એમ. નાયક દ્વારા આ ફરીયાદ રદ કરવામાં આવી.

આ કામે સામાવાળા ધી ઓરીએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની લીમીટેડ વતી રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી શ્રી નરેશભાઈ એમ. સીનરોજા (મો.૯૮૨૫૦ ૭૫૬૭૫) તથા તેમની સાથે ચિરાગ જી. છગ એડવોકેટ રોકાયેલ હતા.

(11:10 am IST)