Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

શોપિયામાં બે આતંકી ઠાર

ભારે માત્રામાં શસ્ત્રો જપ્ત : સર્ચ ઓપરેશન શરૂ

શ્રીનગર તા. ૨૫ : જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે શરૂ થયેલ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોને સ્થળ પરથી હથિયારો મળી આવ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે બંને આતંકી સંગઠન જૈશ સાથે જોડાયેલા છે. સૂત્રોએ જણાવ્યું કે ચૌગામમાં શનિવારે સવારે થયેલા એન્કાઉન્ટરમાં લશ્કરના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓની ઓળખ બ્રેપોરાના સજ્જાદ અહમદ ચેક અને પુલવામાના રાજા બાસિત નઝીર તરીકે કરવામાં આવી છે.

અધિકારીઓ દ્વારા હજુ સુધી નામોની પુષ્ટિ કરવામાં આવી નથી. આ પહેલા પોલીસ અને સેનાની સંયુકત ટીમે વહેલી સવારે વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસની સંયુકત ટીમ તરત જ શંકાસ્પદ સ્થળ તરફ ગઈ હતી. છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબમાં સુરક્ષા દળોએ બંનેને ઠાર કર્યા હતા. અનંતનાગમાં સુરક્ષાદળોને એક આતંકીને ઠાર કરવામાં સફળતા મળી હતી. આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યા બાદ જવાબી કાર્યવાહીમાં આતંકવાદી માર્યો ગયો હતો.           

થોડા દિવસો પહેલા અનંતનાગના બિજબિહાર વિસ્તારમાં એક નાકા પાર્ટી પર ફાયરિંગ થયું હતું. જેમાં બિજબિહાર પોલીસ સ્ટેશનમાં તૈનાત એએસઆઈ મોહમ્મદ અશરફ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. એક અધિકારીએ જણાવ્યું હતું કે ASIને શ્રીનગર રિફર કરવામાં આવ્યા હતા કારણ કે તેમની હાલત ગંભીર હતી પરંતુ રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું.

અગાઉ, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમની પાસેથી બે પિસ્તોલ, બે મેગેઝીન, સાત પિસ્તોલ રાઉન્ડ, એક ગ્રેનેડ અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી હતી.

(12:58 pm IST)