Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ઉત્તરાખંડથી કાશ્મીર સુધીના પહાડો પર ભારે હિમવર્ષા : ઠંડી વધશે

લેહમાં સિઝનની પ્રથમ હિમવર્ષા : કેદારનાથ - બદ્રીનાથ ધામમાં નદી નાળાઓ થીજવા લાગ્યા

નવી દિલ્હી તા. ૨૫ : ઉત્તર ભારતના મોટાભાગના રાજયોમાં શિયાળો વેગ પકડી રહ્યો છે. ઉત્તરાખંડથી લઈને કાશ્મીર સુધીના પહાડો પર ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં થીજવી દેતી ઠંડી શરૂ થઈ ગઈ છે. શુક્રવારે કેદારનાથ ધામમાં હવામાનમાં પલટો આવ્યો અને અચાનક હિમવર્ષા શરૂ થઈ ગઈ. ધામમાં એક ફૂટ સુધી હિમવર્ષા થઈ હતી. જેના કારણે તાપમાનમાં ઘટાડા સાથે નદી નાળાઓ થીજી જવા લાગ્યા છે.

હિમવર્ષાના કારણે કેદારનાથ ધામમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લગભગ ૨૦૦ જેટલા કર્મચારીઓ, મજૂરો, મહાત્માઓ અને પોલીસ કર્મચારીઓ હજુ પણ ધામમાં રહે છે. ભારે હિમવર્ષાના કારણે ધામમાં ચાલી રહેલ પુનઃનિર્માણ કાર્યમાં પણ અવરોધ આવી રહ્યો છે. જો હિમવર્ષાનો આ રીતે ચાલુ રહેશે તો આગામી થોડા દિવસોમાં ધામમાં પુનઃનિર્માણ કાર્યમાં લાગેલા તમામ મજૂરો પણ પરત ફરી શકે છે.

બદ્રીનાથ ધામમાં પણ હવામાન બદલાયું છે. જેના કારણે ત્યાં ફરી હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. અહીં દિવસ દરમિયાન જ તાપમાન માઈનસ થઈ ગયું છે. આ સમયે ભગવાન બદ્રી વિશાલના દરવાજા શિયાળા માટે બંધ છે. ધામમાં, કેટલાક પોલીસ કર્મચારીઓ મંદિરની સુરક્ષા કરી રહ્યા છે અને ભારતીય સેના અને ITBPના જવાનો સરહદ પર તૈનાત છે.

લેહમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. જેના કારણે સમગ્ર વિસ્તાર બરફથી ઢંકાઈ ગયો છે. ઘરોની છતથી લઈને રસ્તાઓ સુધી બરફની જાડી ચાદર જામી ગઈ છે. અહીં બરફ સિવાય કશું દેખાતું નથી. ભારે હિમવર્ષા બાદ સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે. રસ્તાઓ પરથી બરફ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. હિમવર્ષાના કારણે લેહનો પારો શૂન્યથી નીચે રહે છે.

(1:59 pm IST)