Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

મેદાંતા હોસ્પિટલના સંસ્થાપક ડો. ત્રેહાનની લોકોને સતર્કતા રાખવા સલાહ

ઓમિક્રોનનો દર્દી ૧૮ થી ૨૦ લોકોને સંક્રમિત કરી શકે છે : બેઝીક પ્રોટોકોલ પાળવા જરૂરી

વેકસીન લીધાથી પોતાને સુરક્ષીત ન સમજી શકાય : બીજી લહેરની જેમ સાવધાની રાખવી પડશે : ડો. ત્રેહાન

નવી દિલ્હી તા. ૨૫ : દેશના પ્રખ્યાત ડોકટર અને મેદાંતા હોસ્પિટલના સંસ્થાપક ડો. નરેશ ત્રેહાને કોરોના વાયરસના નવા વેરીઅંટ ઓમિક્રોનને લઇને માહિતી આપી હતી. તેમણે જણાવેલ કે ઓમિક્રોન સંક્રમિત એક વ્યકિત બીજી ૧૮ થી ૨૦ વ્યકિતઓને સંક્રમિત કરી શકે છે. તેનું કારણ જણાવતા ડો. ત્રેહાને કહ્યું કે, ઓમિક્રોનની આર વેલ્યુ અન્ય વેરિયન્ટની તુલનાએ ખુબ જ વધુ છે, જેથી તે સુપર સ્પ્રેડર છે.

ડો. ત્રેહાને વિગતવાર જણાવેલ કે, વાયરસનો આર નોટ ફેકટર એ બતાવે છે કે, જો આ બિમારી એક વ્યકિતને થાય છે તો તે કેટલા વ્યકિતને ચેપ (સંક્રમિત) લગાડી શકે છે. સૌથી પહેલા આવેલ આલ્ફા વેરિયન્ટનું આર નોટ ફેકટર ૨.૫ હતું, એટલે તે ૨ થી ૩ લોકોને સંક્રમિત કરી શકે છે.

જ્યારે બીજા વેરિયન્ટ ડેલ્ટાની આર નોટ વેલ્યુ ૬.૫ હતી. જેથી દરરોજ ૪ લાખ કેસ નોંધાયેલ. ડેલ્ટા વેરિયન્ટ સંક્રમિત દર્દી ૬ થી ૭ લોકોને સંક્રમિત કરતો હતો. પણ હવે જે વેરિયન્ટ આવ્યો છે. ઓમિક્રોન તે ડેલ્ટાથી ૩ ગણો વધુ આર નોટ વેલ્યુ ધરાવે છે. સંક્રમિત વ્યકિત અન્ય ૧૮ થી ૨૦ લોકોને ઓમિક્રોન સંક્રમિત કરી શકે છે. તેટલે તે સુપર સ્પ્રેડર છે.

ડો. ત્રેહાને લોકો સામે બે મોટા પડકારો હોવાનું જણાવેલ. તેમણે કહેલ કે, પહેલો પડકાર બાળકોનું રસીકરણ નથી થયું અને બીજા ૫૦ ટકા વસ્તીનું રસીકરણ બાકી છે. ઉપરાંત બે ડોઝ લીધેલ વ્યકિતઓની ઇમ્યુનિટી પણ હવે ધીરે ધીરે ઘટી રહી છે તે પણ ચિંતાનું કારણ છે.

તેમણે ઉમેરેલ કે આ બધી પરિસ્થિતિ વચ્ચે બુસ્ટર ડોઝ લગાવવો જરૂરી છે. સૌ પ્રથમ ફ્રન્ટલાઇન વર્કરોને આપવામાં આવે. ઉપરાંત જીનોમ સિકવેસિંગ કરવો મોટો પડકાર છે. વિદેશથી આવનારનું જીનોમ કરવું જરૂરી છે, પણ તેમાં ૧ અઠવાડિયાનો સમય લાગે છે, જેથી જરૂરી છે કે આપણે નવી ટેકનોલોજી વિકસાવવાની સાથે હોટસ્પોટનું રીયલ ટાઇમ મોનીટરીંગ થાય.

ડો. ત્રેહાને લોકોને સાવધાન અને સતર્ક રહેવાની સલાહ આપતા જણાવેલ કે, વેકસીન લીધાથી તમે પોતાને સુરક્ષીત ન સમજી શકો. આવનાર દિવસોમાં નવા વર્ષની પાર્ટીઓ - તહેવારો ઉજવાશે ત્યારે આપણે બેઝીક પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. જેવી રીતે આપણે બીજી લહેર વખતે જંગ લડી હતી.

(1:59 pm IST)