Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

યુક્રેન સાથે તનાવ વચ્ચે

રશિયાએ ઝિર્કોન હાઈપરસોનિક મિસાઈલ સિસ્ટમનું પરીક્ષણ કર્યું

નવી દિલ્હી, તા.૨૫: યુક્રેન સાથેના તણાવ વચ્ચે રશિયાએ ફરીથી એક વખત શકિત પ્રદર્શન કર્યું છે. રાષ્ટ્રપતિ પુતિને શુક્રવારે ઘોષણા કરી હતી કે, દેશના રક્ષા દળોએ ઝિર્કોન હાઈપરસોનિક મિસાઈલ પ્રણાલીનું પરીક્ષણ કર્યું છે. રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યું કે, શુક્રવારે સવારે ઝિર્કોન હાઈપરસોનિક પ્રણાલીને લોન્ચ કરવામાં આવી હતી. આ અમારી નવીનતમ મિસાઈલ છે જે નૌકાદળ અને જમીની બંને લક્ષ્યો પર પ્રહાર કરી શકે છે.

રશિયન રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આ પ્રક્ષેપણનો હેતુ રશિયાની સુરક્ષા અને સંરક્ષણ ક્ષમતાને વધારવાનો હતો. પરીક્ષણો સંપૂર્ણપણે સફળ અને દોષરહિત રહ્યા હતા. પુતિને જણાવ્યું કે, ઝિર્કોન મિસાઈલ ધ્વનિ કરતા ૯ ગણી વધુ ઝડપે ઉડશે અને તેની રેન્જ ૧,૦૦૦ કિમી સુધીની છે.

રશિયા દ્વારા આ પગલું ત્યારે ઉઠાવામાં આવ્યું જ્યારે યુક્રેનની સરહદ પર તણાવ ચાલું છે અને અમેરિકા તરફથી વારંવાર ચેતવણી આપવામાં આવી છે કે, રશિયાએ યુક્રેનની સરહદ પર ૧,૦૦,૦૦૦થી વધારે સૈનિકો એકઠા કર્યા છે.

(3:41 pm IST)