Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

રાહુલ ગાંધીના હિન્‍દુ અને ભાજપના હિન્‍દુત્‍વમાં શું અંતર છે ? તે માટે કોંગ્રેસ હવે દરેક રાજ્‍યમાં શિબીર યોજીને માહિતી આપશે

કાલથી જયપુરના પદ્મપુરામાં પ્રથમ શિબીરઃ કોંગ્રેસના પ્રવક્‍તાઓ માર્ગદર્શન આપશે

નવી દિલ્હી: રાહુલ ગાંધીના હિંદુ અને હિંદુત્વના એજન્ડાને લઈ કોંગ્રેસે મોટો પ્લાન તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. દેશભરના કોંગ્રેસી કાર્યકરોમાં રાહુલ ગાંધીના હિંદુ દર્શનને લઈ ભ્રમની સ્થિતિ બનેલી છે જેને કોંગ્રેસે હવે દરેક રાજ્યમાં શિબિર યોજીને દૂર કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસના એક્સપર્ટ્સ પાર્ટી કાર્યકરોને સમજાવશે કે, રાહુલના હિંદુ અને ભાજપના હિંદુત્વમાં શું અંતર છે અને જનતા વચ્ચે આ અંતરને કઈ રીતે સમજાવવાનું છે.

જયપુર ખાતે 26, 27 અને 28 ડિસેમ્બરના રોજ આ પ્રકારની શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જયપુરથી આશરે 25 કિમી દૂર પદ્મપુરા ખાતે આ શિબિરનું આયોજન કરવામાં આવશે જેમાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા અને અજય માકન સહિતના આ વિષયના એક્સપર્ટ્સ સહભાગી બનશે.

કોંગ્રેસ સંગઠનના તમામ નેતાઓ સહિત ચૂંટાયેલા કાર્યકરો અને પ્રવક્તાઓને આ શિબિરમાં બોલાવવામાં આવ્યા છે. તેના પહેલા પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા દિલ્હી જઈને આવ્યા છે. આ પ્રકારની શિબિર તમામ રાજ્યોમાં આયોજિત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન સરકારના પાણી પુરવઠા મંત્રી મહેન્દ્ર સિંહ માલવીયે 2 દિવસ પહેલા જ હિંદુ અને હિંદુત્વ અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં એમ કહી દીધું હતું કે, આ મોટા નેતાઓની વાત છે, અમને નથી સમજાતી. એ જ રીતે કાર્યકરોમાં પણ કોંગ્રેસના હિંદુ દર્શન અને હિંદુત્વને લઈ ભ્રમની સ્થિતિ બનેલી છે જેને સમજાવવા અને જનતામાં લઈ જવા માટે આ પ્રકારની શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જોકે કોંગ્રેસ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે, આ સદસ્યતા અભિયાનની તૈયારી માટે શિબિર આયોજિત કરવામાં આવી રહી છે.

અસલમાં તાજેતરમાં જ જયપુર ખાતે આયોજિત મોંઘવારી વિરૂદ્ધની એક જનસભામાં કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ભાજપને ઘેર્યું હતું અને એક નારો આપ્યો હતો કે- હિંદુ છું, હિંદુત્વવાદી નહીં. કોંગ્રેસ પાર્ટીએ તેને લઈ એક સોશિયલ મીડિયા કેમ્પેઈન પણ શરૂ કરી દીધું છે જેનું નામ છે- હિંદુ છું, હિંદુત્વવાદી નહીં. તેના અંતર્ગત કોંગ્રેસ એ કામોને એક્સપોઝ કરશે જે ભાજપે પોતાની હિંદુત્વવાદી છબિના નામે કર્યા છે.

(4:28 pm IST)