Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

એક મહિના પહેલા ઓમિક્રોનનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયા બાદ અત્‍યાર સુધીમાં 1.5 લાખથી વધુ કેસ નોંધાતા નિષ્‍ણાંતો ચિંતીત

મહામારીના કારણે ક્રિસમસ સપ્‍તાહમાં લગભગ 4500 ફલાઇટ્‍સ કેન્‍સલ કરાઇ

નવી દિલ્હી: ઓમિક્રોન દુનિયાભરમાં ફેલાઈ ગયો છે. અમેરિકા, બ્રિટેન જેવા મોટા દેશોમાં તો આ સંક્રમણ કહેર વરસાવી રહ્યો છે. આવી સ્થિતિમાં નિષ્ણાતો પણ ડરી ગયા છે. નવા જોખમથી બચવા માટે દુનિયાભરના તમામ દેશો નવા-નવા પ્રતિબંધ લગાવી રહ્યા છે જેની અસર એક વાર ફરીથી એરલાઈન ઈન્ડસ્ટ્રી પર પડી છે.

ક્રિસમસ સપ્તાહમાં દુનિયાભરમાં લગભગ 4,500 ફ્લાઈટ્સ કેન્સલ કરી હોવાનું સામે આવ્યું છે. ફ્લાઈટ ટ્રેકીંગ વેબસાઈટ FlightAware.com અનુસાર ક્રિસમસની પૂર્વ સંધ્યા એટલે કે, શુક્રવારે ઓછામાં ઓછી 2,366 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી અને લગભગ 9,000 ફ્લાઇટ્સ મોડી પડી હતી.

વેબસાઈટ અનુસાર ક્રિસમસના દિવસે (શનિવારે) પણ 1,779 ફ્લાઈટ્સ બંધ કરવામાં આવી છે અને 402 ફ્લાઈટ્સને રવિવાર માટે નિર્ધારિત કરવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં એક અઠવાડિયામાં એક ચતુર્થાંશથી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.

લગભગ એક મહિના અગાઉ ઓમિક્રોનનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો હતો પરંતુ તેનું સંક્રમણ એટલી ઝડપથી ફેલાયું કે, એક મહિનાની અંદર જ 108 દેશો તેનો શિકાર બની ચુક્યા છે અને દુનિયાભરમાં 1,51,368 કેસો સામે આવ્યા છે. જ્યારે 26 લોકોનું કોરોનાના આ વેરિએન્ટને કારણે મોત થયું છે.

ઓમિક્રોનના ઝડપથી વધતા સંક્રમણના કારણે કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે. તેની અસર પણ એરલાઈન્સ કંપનીઓ પર પડી રહી છે. અમેરિકામાં યુનાઈટેડ એરલાઈન્સ અને ડેલ્ટા એરલાઈન્સમાં સંક્રમણના કારણે કર્મચારીઓની મોટી અછત વર્તાઈ રહી છે જેના કારણે શુક્રવારે બંને એરલાઈન્સે લગભગ 280 ફ્લાઈટ્સ કેન્સલ કરી હતી.

(4:29 pm IST)