Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

હળવાશથી નહીં લેતા : ઓમિક્રોનના183 કેસમાં સંપૂર્ણ વેક્સિનેશન પામેલા 91 ટકા કેસ :થર્ટી ફર્સ્ટ તહેવારોમાં સાવધ રહેવાની સલાહ લોકોને ટોળે વળવાનું ટાળવાની અને બિનજરૂરી પ્રવાસ નહિ કરવા ભલામણ

નવી દિલ્હી : વિશ્વમાં કોરોનાની ચોથી લહેર ઓમિક્રોનના સ્વરૂપમાં આવી છે ત્યારે સરકારે લોકોને હજી પણ કોરોનાને હળવાશથી ન લેવા ચેતવણી આપી છે. તેમા પણ ખાસ કરીને યર એન્ડના તહેવારોમાં સાવધ રહેવાની સલાહ આપી છે.

સરકારે લોકોને ટોળે વળવાનું ટાળવાની અને બિનજરૂરી પ્રવાસ ન ખેડવાની સલાહ આપી છે. તેની સાથે કોવિડ યોગ્ય વર્તણૂક કરવા પર અને રસીકરણ પૂરૂં કરવા પર ભાર મૂક્યો છે.

ભારતે ઓમિક્રોન વેરિયન્ટના 358 કેસ નોંધ્યા છે. તેમા 183નું વિશ્લેષણ કરાયું છે. તેમાથી 121 જણાએ વિદેશ પ્રવાસ ખેડયો હોવાનું માલૂમ પડયું છે.

ઓમિક્રોનના કુલ 183 કેસમાં 91 ટકા સંપૂર્ણ રસીકરણ પામેલા હતા અને ત્રણ જણાએ તો બૂસ્ટર ડોઝ પણ લીધો હતો. આમાથી 70 ટકાને લક્ષણજન્ય ઓમિક્રોન હતા. ઓમિક્રોન પીડિતોમાં 61 ટકા પુરૂષો હતા.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના તારણો મુજબ સરકારે જણાવ્યું છે કે ઓમિક્રોન ડેલ્ટા કરતાં પણ વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેના ફેલાવવાની ઝડપ 1.5થી ત્રણ દિવસ છે.  સમગ્ર વિશ્વ અત્યારે કોવિડ-19ના ઉછાળાના ચોથા તબક્કામાં છે. કુલ પોઝિટિવિટી દર 6.1 ટકા છે.

સરકારે જણાવ્યું હતું કે કેરળ અને મિઝોરમમાં પોઝિટિવિટી રેટ રાષ્ટ્રીય સરેરાશથી ઘણો ઊંચો છે. સરકારે જણાવ્યું હતું કે દેશના 20 જિલ્લામાં સાપ્તાહિક પોઝિટિવિટી દર પાંચથી દસ ટકા છે અને બે જિલ્લામાં દસ ટકાથી વધારે છે. સરકારે ક્રિસમસ અને નવા વર્ષના આગમનના તહેવારને લઈને લોકોને ચિંતામુક્ત બનવા સામે ચેતવણી આપી છે.

(6:59 pm IST)