Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોના ડેટા બે વર્ષ સુધી સાચવવા પડશે

ટેલિકોમ કંપનીઓ વર્ષ સુધી ડેટા સાચવતી હતી : કોમર્શિયલ રેકોર્ડ્સ/કોલ ડિટેઈલ રેકોર્ડ/એક્સચેન્જ ડિટેઈલ રેકોર્ડ/આઈપી ડિટેઈલ રેકોર્ડ રાખવાનો રહેશે

નવી દિલ્હી, તા.૨૫ : ટેલીકોમ વિભાગ દ્વારા મોબાઈલ કંપનીઓ દ્વારા ગ્રાહકોના ડેટા સર્ફિંગ તેમજ કોલ ડેટાને સાચવી રાખવાના નિયમની સમય મર્યાદા લંબાવી છે. અત્યારસુધી ટેલીકોમ કંપનીઓ પોતાના તમામ ગ્રાહકોની કોલ ડિટેઈલ્સ તેમજ ઈન્ટરનેટ સર્ફિંગની માહિતી એક વર્ષ સુધી સાચવીને રાખતી હતી, જેની સમય મર્યાદા હવે સુરક્ષાના કારણોસર વધારીને બે વર્ષની કરવામાં આવી છે.

૨૧ ડિસેમ્બરના રોજ સુધારા જાહેર કરવામાં આવ્યા હતા, અને ટેલીકોમ પરમિટ ધરાવતી કંપનીઓને ૨૨ ડિસેમ્બરે તેની જાણ કરવામાં આવી હતી. ડીઓટીના સર્ક્યુલરના જણાવ્યા અનુસાર, તમામ પરવાનેદારોએ નેટવર્ક પર થયેલા તમામ કોમ્યુનિકેશન એક્સચેન્જ સાથે કોમર્શિયલ રેકોર્ડ્સ/કોલ ડિટેઈલ રેકોર્ડ/એક્સચેન્જ ડિટેઈલ રેકોર્ડ/આઈપી ડિટેઈલ રેકોર્ડ રાખવાનો રહેશે. સુરક્ષાના કારણોસર રેકોર્ડ લાઈસન્સ ઈશ્યૂ કરનાર દ્વારા સ્ક્રુટિની માટે સાચવવાનો રહેશે.

સર્ક્યુલરમાં એમ પણ જણાવાયું છે કે બે વર્ષનો ગાળો પૂરો થયા બાદ ટેલીકોમ કંપનીઓ ડેટાનો નાશ કરી શકે છે. સરકારે પોતાના આદેશમાં જાહેર હિત તેમજ દેશની સુરક્ષાને ખાતર ટેલીગ્રાફ્સનો યોગ્ય ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું જરુરી છે તે બાબત પર ખાસ ભાર મૂક્યો છે. ટેલીકોમ કંપનીઓ દ્વારા ગ્રાહકોનો જે ડેટા બે વર્ષ સુધી સ્ટોર કરવામાં આવશે તેમાં ઈન્ટરનેટ એક્સસેસ, -મેઈલ, ઈન્ટરનેટ ટેલીફોની સર્વિસિસ જેમાં મોબાઈલ એપ્લિકેશન અથવા વાઈફાઈ દ્વારા કરવામાં આવેલા કોલ્સ, તમામ પ્રકારની લોગઈન અને લોગઆઉટ જેવી વિગતોનો સમાવેશ થાય છે. અગાઉ ટેલીકોમ કંપનીઓ એક વર્ષ સુધીનો ડેટા પોતાની પાસે સાચવીને રાખતી હતી, જે સમયગાળો હવે બે વર્ષનો કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, સરકાર ઘણીવાર સુરક્ષાના કારણોનો હવાલો આપીને કેટલાક શકમંદોની કોલ તેમજ ઈન્ટરનેટ સર્ફિંગ હિસ્ટ્રીની વિગતો મેળવતી હોય છે. દેશદ્રોહી તત્વો પર પણ તેના દ્વારા નજર રાખવામાં આવતી હોય છે. ટેક્નોલોજીના સમયમાં ઘણા કેસમાં કોલ ડિટેઈલ્સ તેમજ બીજી વિગતોના આધારે સોલ્વ થયાના પણ દાખલા છે. જોકે, ડેટાને બે વર્ષ સુધી ટેલીકોમ કંપનીઓને સાચવવાના આદેશ સામે કેટલાક લોકોએ સવાલ પણ ઉઠાવ્યા છે.

(7:32 pm IST)