Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

વર્ષ 2022ને આવકારતા પહેલા ઓમિક્રોનના કારણે દેશના આઠ રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાગુ

આસામમાં 26 ડિસેમ્બરથી રાત્રે 11.30 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં નાઇટ કર્ફ્યુ: 31 ડિસેમ્બરના રોજ નાઇટ કર્ફ્યુ લાગુ થશે નહીં.

નવી દિલ્હી : નવા વર્ષ એટલે કે વર્ષ 2022ને આવકારતા પહેલા ઓમિક્રોનના કારણે દેશ નાઇટ કર્ફ્યુ તરફ આગળ વધવા લાગ્યો છે. ઓમિક્રોનના કારણે અત્યાર સુધીમાં દેશના સાત રાજ્યોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત  કરાઈ છે, રાજસ્થાનમાં નાઇટ કર્ફ્યુ પહેલેથી જ લાગુ છે. હવે દેશમાં રાત્રિ કર્ફ્યુ ધરાવતા રાજ્યોની સંખ્યા વધીને આઠ થઈ ગઈ છે. 

આસામ સરકારે 26 ડિસેમ્બરે રાત્રે 11.30 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે. જો કે, રાજ્ય સરકારે હાલમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ નાઇટ કર્ફ્યુમાંથી મુક્તિ આપી છે. રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે 31 ડિસેમ્બર 2021 ના રોજ નાઇટ કર્ફ્યુ લાગુ થશે નહીં.

કેસોમાં  નિયંત્રણ લાવવા માટે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને હરિયાણા જેવા રાજ્યોએ નાઇટ કર્ફ્યુ લાગુ કર્યો છે. જ્યારે રાજસ્થાનમાં કોરોનાની બીજી  લહેર બાદ જ નાઇટ કર્ફ્યુ  લાગુ  કરવામાં  આવ્યો છે .ગુજરાતના 8 શહેરોમાં 31 ડિસેમ્બર સુધી નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢનો સમાવેશ થાય છે, જ્યાં બપોરે 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લાગુ રહેશે.

 મહારાષ્ટ્રમાં ઓમિક્રોન ચેપના સૌથી વધુ કેસ નોંધાયા હોવા છતાં, મહારાષ્ટ્ર સરકારે નાઇટ કર્ફ્યુ લાદ્યો નથી.  મહારાષ્ટ્ર સરકારે સમગ્ર રાજ્યમાં રાત્રિ માટે કલમ-144 લાગુ કરી છે. જે અંતર્ગત રાત્રે એક જગ્યાએ પાંચથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યાં ઉત્તર પ્રદેશ સરકારે સમગ્ર રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરી દીધો છે.

દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપી પ્રસારની વચ્ચે કેન્દ્ર સરકારે તાજેતરમાં રાજ્ય સરકારને સાવચેતી રાખવાની સલાહ આપી હતી. જે બાદ દિલ્હી સહિત કર્ણાટક, ઓડિશા અને છત્તીસગઢમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જ્યારે તમિલનાડુમાં ઉજવણી માટે રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. 

(9:38 pm IST)