Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

મહાભારત સીરિયલના 'ભીમ'ને ગંભીર આર્થિક સંકડામણ : પ્રવિણકુમાર પાઇ પાઇ નો મોહતાજ

જીવનના 74 વર્ષમાં કરી પેન્શનની અપીલ : 1967માં રમતનો સર્વોચ્ચ એવોર્ડ 'અર્જુન એવોર્ડ' એનાયત થયેલ : રમતથી ફિલ્મ ગ્લેમર સુધીની સફળ સફર કરનાર 'ભીમ' ને આર્થિક સંકટ

નવી દિલ્હી :દૂરદર્શન પર અંદાજે 3 દાયકા પહેલા આવતી 'મહાભારત' સિરિયલ જે ગત વર્ષે લોકડાઉનમાં દૂરદર્શન પર ફરી પ્રસારિત કરવામાં આવી હતી. 30 વર્ષ પહેલા 'મહાભારત' ટીવીનો તે શો હતો, જેના માટે લોકો ગામમાં, ગ્રામ્ય વિસ્તારોમાં ભેગા થતા હતા. લોકડાઉન દરમિયાન શોને ઘણો પ્રેમ મળ્યો હતો .

શોમાં પોતપોતાના પાત્રો ભજવનાર કલાકારોમાંનો એક હતો 'ગદાધારી ભીમ'. ભીમનું પાત્ર પ્રવીણ કુમાર સોબતીએ ભજવ્યું હતું. તેમણે હાલમાં જ પોતાનો 74મો જન્મદિવસ ઉજવ્યો હતો, પરંતુ હવે પ્રવીણ પાઈ પાઈનો મોહતાજ છે. તેમની આર્થિક સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે તેમણે હવે સરકારને મદદ માટે અપીલ કરી છે.

6 ફૂટથી વધુ ઉંચા પ્રવીણ કુમાર સોબતીએ પોતાના અભિનયથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. જીવનના 74 વર્ષ પસાર કર્યા બાદ આજે પ્રવીણ પાઇ પાઇ માટે તરસી ગયા છે. કોઈક રીતે અત્યાર સુધી તેઓ પોતાનું જીવન જીવી રહ્યા હતા, પરંતુ હવે તેમનું જીવન મુશ્કેલ બની રહ્યું છે, તેથી તેમણે પંજાબ સરકારને જીવનનિર્વાહ માટે પેન્શનની અપીલ કરી છે.

બે વખત ઓલિમ્પિક, પછી એશિયન, કોમનવેલ્થ ઘણા ગોલ્ડ, સિલ્વર મેડલ જીતી ચુકેલા પ્રવીણને 1967માં રમતનો સર્વોચ્ચ એવોર્ડ 'અર્જુન એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો. રમતથી ફિલ્મ ગ્લેમર સુધીની સફળ સફર કરનાર 'ભીમ' હવે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. પ્રવીણ કુમાર સોબતી પંજાબના અમૃતસર પાસેના સરહાલી નામના ગામના રહેવાસી છે

એક ઈન્ટરવ્યુ દરમિયાન ટીવીના ભીમે જણાવ્યું કે કોરોનાએ સંબંધોની હકીકત જણાવી છે. બધા સંબંધો પોકળ છે. મુશ્કેલ સમયમાં કોઈ સાથ નથી આપતો. પ્રવીણે જણાવ્યું કે હવે તેમની તબિયત સારી નથી, ખાવામાં પણ ઘણા પ્રકારનો પરહેજ કરવો છે. તેમની પત્ની તેમની સંભાળ રાખે છે. .

(11:51 pm IST)