Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

વિદિશામાં મંગલમુખી કિન્નર સમાજનું રાષ્ટ્રીય સંમેલન : શોભાયાત્રામાં કિન્નર ગુરુ સુરૈયાએ 5 કરોડનું સોનું પહેર્યું

શોભાયાત્રાની સુરક્ષામાં બે ડઝન પોલીસકર્મીઓની સાથે અનેક બાઉન્સર પણ તૈનાત કરાયા

મધ્યપ્રદેશના વિદિશામાં મંગલમુખી કિન્નર સમાજનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું, જેમાં કિન્નર ગુરુ સુરૈયા 5 કરોડનું સોનું પહેરીને શોભાયાત્રામાં નીકળ્યા હતા લોકો જોતાં જ રહી ગયા હતા કિન્નરોની શોભાયાત્રામાં તેમણે 10 કિલો સોનું એટલે કે લગભગ 5 કરોડની કિંમતના ઘરેણા પહેર્યા હતા. તેની સાથે અન્ય ઘણા કિન્નરો પણ અમૂલ્ય ઘરેણાં પહેરેલા જોવા મળ્યા હતા. જ્યાં પણ આ કિન્નર રથ પસાર થયો ત્યાં ત્યાં લોકો તેમને જોતા જ રહી ગયા હતા .

કિન્નરો ભજન અને ડીજેના તાલે નાચતા નાચતા નીકળ્યા હતા. મધ્યપ્રદેશના વિદિશામાં આ શોભાયાત્રાની સુરક્ષામાં બે ડઝન પોલીસકર્મીઓની સાથે અનેક બાઉન્સર પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે વિદિશામાં 15 થી 24 ડિસેમ્બર દરમિયાન મંગલમુખી કિન્નર સમાજનું રાષ્ટ્રીય સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. શહેરના વિનાયક વેકેન્ટ હોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો. શુક્રવારે તેનું સરઘસ પણ નીકળ્યું હતું. સંમેલનમાં દેશના વિવિધ ભાગોમાંથી કિન્નરોએ ભાગ લીધો હતો.

આ દરમિયાન ભોપાલના મંગલવારાનાં કિન્નર ગુરુ સુરૈયા શાહી ઠાઠ સાથે બગિ પર સવાર થઈને નીકળ્યા હતા. તેમણે આખા જ શરીરમાં સોનું ધારણ કરેલું હતું. જેની કિંમત લગભગ 5 કરોડ જેટલી હતી. આ સોનું અંદાજે 10 કિલો વજનનું હતું અને તેમણે મુકુટ, સોનાના કડા, ગળામાં હાર અને પગમાં ઘરેણાં પહેરેલા હતા. તેઓની સુરક્ષામાં પોલીસ અને બાઉન્સર્સ પણ તૈનાત હતા.

બીજી તરફ સાગરની રૂબી મૌસી કારમાં આવ્યા હતા અને તેમણે જે ઘરેણાં પહેરેલા હતા તે તો 100 વર્ષ જૂના હતા. તેમની સાથે સાગરથી જ ગોલુ નાયક કે જેમને 1 કિલોના સોનાના કડા પહેરેલા હતા તે પણ શોભાયાત્રાની સાથે નીકળેલી કળશયાત્રામાં દેખાયા હતા. બે કિન્નર પારંપરિક વેશભૂષામાં સજીને માળા પહેરીને આવ્યા હતા અને તેઓની પાછળ ઘણાબધા લોકો જોડાયા હતા. તેમણે વિશ્વના કલ્યાણ અને લોકોની ખુશીની કામના કરી હતી.

(12:01 am IST)