Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

GST - પેટ્રોલના ભાવવધારા વિરૂધ્ધ હલ્લાબોલ

૮ કરોડ વેપારીઓની હડતાલ : ઠેરઠેર ચક્કાજામ - પ્રદર્શન

૪૦,૦૦૦ જેટલા વ્યાપારી સંગઠનોએ આપ્યું છે બંધનું એલાન : અનેક રાજ્યોમાં હડતાલની અસર : ગુજરાતમાં બંધની અસર નથી

નવી દિલ્હી તા. ૨૬ : પેટ્રોલ - ડિઝલના વધતા ભાવો, જીએસટી અને ઇવે બિલ સહિત અનેક મુદ્દે આજે ૪૦,૦૦૦ જેટલા દેશના ટ્રેડર્સ એસોસીએશને આપેલા ભારત બંધના એલાનનો આજે સવારે ૬ વાગ્યાથી પ્રારંભ થયો છે. દેશના અનેક ભાગોમાં બંધની અસર જોવા મળી રહી છે. જ્યારે ગુજરાત સહિત ભાજપ શાસિત રાજ્યોમાં બંધની નહિવત અસર જોવા મળી છે. દેશના અનેક ભાગોમાં વ્યાપારી સંગઠનોએ ધરણા - પ્રદર્શન - ચક્કાજામ કરી પોતાનો વિરોધ પ્રગટ કર્યો છે. આ ભારત બંધમાં દેશના ૮ કરોડ જેટલા વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો સામે થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કૃષિ સંગઠનોએ પણ બંધના એલાનને ટેકો આપ્યો છે.

ભારત બંધ દરમિયાનની મુખ્ય માંગણીઓમાં પેટ્રોલ - ડિઝલના ભાવમાં તત્કાલ ઘટાડો અને તેમાં એકરૂપતા, ઇ-વે બિલ તથા જીએસટીથી સંબંધિત મુદ્દાનું સમાધાન તથા વાહનોને કબાડ - ભંગારમાં જવા દેવાની નીતિના અમલ પહેલા ટ્રાન્સપોર્ટરો સાથે વાતચીતની માંગ સામેલ છે.

બંધમાં ફેડરેશન ઓફ એલ્યુમિનિયમ મેન્ય, નોર્થ ઇન્ડિયા સ્પાઇસીસ ટ્રેડર્સ, ઓલ ઇન્ડિયા વિમેન્સ એન્ટપ્રિતિયર્સ એસો., ઓલ ઇન્ડિયા કોમ્યુ. ડીલર એસો., ઓલ ઇન્ડિયા કોસ્મેટીક મેન્યુ. એસો. પણ સામેલ છે.

આજે દેશમાં ૧૫૦૦ જેટલા સ્થળોએ દેખાવો - પ્રદર્શન થયા છે. અનેક રાજ્યોમાં દુકાનો - બજારો સવારથી બંધ જણાઇ રહી છે.

જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસની ખામીઓ દૂર કરવા માટે સરકાર પર દબાણ પડે તે માટે સમગ્ર દેશના નાના વેપારીઓએ ભારત બંધની જાહેરાત કરી છે. ભારત બંધની જાહેરાત કરનાર કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનો દાવો છે કે આમાં આશરે ૮ કરોડ નાના વેપારીઓ સામેલ થશે. આ સાથે જ દેશના આશરે ૧ કરોડ ટ્રાન્સપોર્ટ્સ અને લઘુ ઉદ્યોગ તેમજ મહિલા સાહસિકો પણ સામેલ થાય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ તરફથી મળેલી સૂચના મુજબ, દિલ્હી સહિત દેશના ૪૦ હજારથી વધારે વેપારી સંગઠનો સાથે જોડાયેલા ૮ કરોડથી વધુ વેપારી આ બંધમાં સામેલ થશે. સાથે જ ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનની જાહેરાતના આધારે દેશમાં તમામ ટ્રાન્સપોર્ટ કંપનીઓ બંધ રહેશે. આ સિવાય લઘુ ઉદ્યોગ, ફેરિયાઓ, મહિલા સાહસિકો અને વેપાર સાથે જોડાયેલા અન્ય ક્ષેત્રોના રાષ્ટ્રીય તેમજ રાજયસ્તરના સંગઠનોએ પણ વેપાર બંધને પોતાનું સમર્થન આપ્યું છે.

ભારત વેપાર બંધથી કોઈ અસુવિધા ના થાય તેને ધ્યાનમાં રાખતા કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે જીવનજરૂરિયાતની સેવાઓને આમાં સામેલ નથી કરી. જેમાં દવાની દુકાનો, દૂધ, શાકભાજીની દુકાન વગેરેનો સમાવેશ થાય છે. પ્રવીણ ખંડેલવાલે આ વિશે વાત કરતા જણાવ્યું કે ગત ૨૨ ડિસેમ્બર અને ત્યારપછી જીએસટી નિયમોમાં ઘણાં એકતરફી સંશોધન કરવામાં આવ્યા. આ મુદ્દે સમગ્ર દેશના વેપારીઓમાં ગુસ્સો છે. આ સંશોધનોથી અધિકારીઓને અસીમિત અધિકાર આપવામાં આવ્યા છે.

હવે કોઈપણ અધિકારી પોતાના વિવેક અનુસાર કોઈપણ કારણસર, કોઈપણ વેપારીનો જીએસટી રજિસ્ટ્રેશન નંબર સસ્પેન્ડ અથવા કેન્સલ કરી શકે છે. તે કોઈપણ વેપારીનું બેંક ખાતુ અને સંપત્તિ પણ જપ્ત કરી શકે છે. મહત્વની વાત એ છે કે આવું કરતા પહેલા વેપારીને કોઈ નોટિસ આપવામાં નહીં આવે અને કોઈ સુનાવણીની તક પણ આપવામાં નહીં આવે. આ પ્રકારના નિયમોથી ભ્રષ્ટાચાર વધશે. આ તો વેપારીઓને મૌલિક અધિકારોથી વંચિત રાખવા જેવી વાત થઈ. આ નિયમોથી અધિકારી કોઈપણ વેપારીને હેરાન કરી શકશે.

(10:35 am IST)