Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

પાર્ટીનું કામ છોડી લોકોની મદદ કરો : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીનું જન કી બાતમાં કાર્યકર્તાઓને સંબોધન : કેન્દ્રએ બિનજરૂરી ખર્ચ કરવાને બદલે રસી, ઓક્સિજન, અન્ય સ્વાસ્થ્ય સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ

નવી દિલ્હી, તા. ૨૫ : કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે કૉંગ્રેસના તમામ કાર્યકરોને કહ્યું કે સિસ્ટમ નિષ્ફળ ગઈ છે અને તેથી જ તેઓ તમામ રાજકીય પ્રવૃત્તિઓ છોડી દે અને કોરોના વાયરસ સામેના આ યુદ્ધમાં લોકોને મદદ કરે. તેમણે કહ્યું કે, આ સમય લોકોની સુખાકારી વિશે વાત કરવાનો છે. કારણ કે, 'સિસ્ટમ' સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. કેરળના વાયનાડના કૉંગ્રેસના સાંસદએ આ ટ્વિટ એવા સમયે કર્યું છે.

જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક ૩,૪૯,૬૯૧ નવા કેસ નોંધાયા છે. એટલું જ નહીં, દેશમાં આ વાયરસને કારણે પ્રથમ વખત ૨૭૬૭ લોકોએ જીવ ગુમાવ્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, 'સિસ્ટમ નિષ્ફળ છે, તેથી જનહિતની વાત કરવી મહત્વપૂર્ણ છેઃ આ કટોકટીમાં દેશને જવાબદાર નાગરિકોની જરૂર છે. હું મારા કોંગ્રેસના સાથીઓને વિનંતી કરું છું કે, તમામ રાજકીય કાર્ય છોડી દે અને ફક્ત જનતાને મદદ કરે, દેશવાસીઓના દુખને દૂર કરવામાં મદદ કરે. આ કોંગ્રેસ પરિવારનો આ જ ધર્મ છે.

આના એક દિવસ પહેલા શનિવારે ચેપના કેસમાં સતત વધારો થવાના કારણે કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે પ્રચાર અને બિનજરૂરી પ્રોજેક્ટ્સ પર ખર્ચ કરવાને બદલે, રસી, ઓક્સિજન તથા અન્ય સ્વાસ્થ્ય સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

તેમણે ટ્વીટ કર્યું, * કેન્દ્ર સરકારને અપીલ છે કે, પીઆર અને બિનજરૂરી પ્રોજેક્ટ્સ પર ખર્ચ કરવાને બદલે રસીઓ, ઓક્સિજન અને અન્ય આરોગ્ય સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે.*

કોંગ્રેસ નેતાએ સરકારને ચેતવણી આપી હતી કે, 'આવનારા દિવસોમાં આ સંકટમા વધારો થશે. દેશએ તેની સાથે વ્યવહાર કરવા તૈયાર રહેવું પડશે. હાલની દુર્દશા અસહ્ય છે! '

(12:00 am IST)