Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ઓક્સિજનની અછતની ઉદ્યોગો ઉપર ઘેરી અસર

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની ભારે તંગી : ઓટોમોબાઈલ્સ, શિપબ્રેકિંગ, પેપર, એન્જિનિયરિંગ, મેટલ ફેબ્રીકેશન જેવા ઉદ્યોગ ઓક્સિજનની અછતથી અસર પડી

નવી દિલ્હી, તા. ૨૬ : કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે સ્થિતિ એટલી નાજુક થઈ ગઈ છે કે, દેશમાં ઓક્સિજનની અછત થઈ ગઈ છે. સરકારે ઉદ્યોગોને ઓક્સિજનો સપ્લાય બંધ કરી દીધો છે અને બધું ધ્યાન કોરોના દર્દીઓનો જીવ બચાવવા પર કેન્દ્રીત કરી દીધું છે. જરૂરી પણ છે, પરંતુ ઓક્સિજનની અછતને પગલે ઈન્ડસ્ટ્રીઝને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. અત્યાર સુધી દેશના કુલ ઓક્સિજનમાંથી ૧૦ ટકા મેડિકલ સેવાઓ માટે ઉપયોગ થતો હતો, બાકીનો ૯૦ ટકા ઉદ્યોગોમાં ઉપયોગ થતો હતો. હવે, ૯૦ ટકા ભાગ હોસ્પિટલમાં જઈ રહ્યો છે અને તે પણ ઓછો પડી રહ્યો છે.

ક્રિસિલ એજન્સીએ ઉદ્યોગોમાં ઓક્સિજ સપ્લાયની સ્થિતિ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કહેવાયું છે કે, ઓટોમોબાઈલ્સ, શિપબ્રેકિંગ, પેપર, એન્જિનિયરિંગ અને મેટલ ફેબ્રીકેશન જેવા ઉદ્યોગ સાથે જોડાયેલા નાના તેમજ મધ્યમ ઉદ્યોગોની આવક પર ઓક્સિજનની અછતથી ઘણી અસર પડી રહી છે. હકીકતમાં, ઉદ્યોગો પાસે પોતાના ઓક્સિજન પ્લાન્ટ નથી, એટલે તે બહારથી ઓક્સિજન ખરીદી કરી પોતાનો બિઝનેસ કરે છે. ઉદ્યોગોમાં વેલ્ડિંગ, કટિંગ, ક્લીનિંગ અને કેમિકલ પ્રોસેસ માટે ઓક્સિજનની જરૂર પડે છે.

હોમ અપ્લાયન્સ બનાવતી કંપનીઓ પણ ઓક્સિજનની અછતનો સામનો કરી રહી છે, જેના પગલે એસી અને રેફ્રિજરેટર જેવા ઉપકરણ બનાવવામાં મુશ્કેલી આવી રહી છે. જે મોટી કંપનીઓ છે અને જેમની પાસે પોતાનો ઓક્સિજન પ્લાન્ટ છે, તે તો પોતાનું કામ કરી રહી છે, પરંતુ જે નાની કંપનીઓ છે અને બજારમાંથી ઓક્સિજન ખરીદવા પર નિર્ભર છે, તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આશા તો એવી રાખવામાં આવી રહી છે કે, ટૂંક  સમયમાં સ્થિતિ સુધરી જશે, પરંતુ જો કોરોનાના કેસો વધવાની સ્પીડ ઓછી નહીં થાય, તો આવનારા દિવસોમં હોમ એપ્લાયન્સ પણ મોંઘા થઈ જવાની શક્યતા છે, કેમકે ડિમાન્ડ તો રહેવાની છે, પરંતુ સપ્લાય નહીં થઈ શકે.

સરકારે ઈન્ડસ્ટ્રીઝને છોડીને બાકી બધાને ઓક્સિજન સપ્લાય કરવા પર રોક લગાવી દીધી છે. ઈન્ડસ્ટ્રી છે- એમ્પલ્સ એન્ડ વાયલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, પેટ્રોલિયમ રિફાઈનરી, સ્ટીલ પ્લાન્ટ, ન્યૂક્લિયર એનર્જી ફેસિલિટી, ઓક્સિજન સિલિન્ડર મેન્યુફેક્ચરર, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફૂડ એન્ડ વોટર પ્યુરિફિકેશન અને પ્રોસેસ ઈન્ડસ્ટ્રીઝ. જોકે, ઘણા બધા સ્ટીલ પ્લાન્ટ પાસે પોતાનો ઓક્સિજન પ્લાન્ટ છે અને તે પહેલા કરતા વધુ ઓક્સિજન બનાવી રહ્યા છે અને રાજ્ય સરકારો અને હોસ્પિટલોને સપ્લાટ કરી રહ્યા છે, જેથી કોરોના દર્દીઓની મદદ થઈ શકે.

(7:58 pm IST)