Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

IPL -2024 :બેંગ્લુરુએ સતત 6 હાર બાદ જોરદાર પુનરાગમન કર્યું: હૈદરાબાદને 35 રનથી હરાવ્યું

વિરાટ કોહલી અને રજત પાટીદારે અડધી સદી ફટકારી:ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતારવાની વ્યૂહનીતિ કારગત નીવડી

મુંબઈ :રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને 35 રનથી હરાવ્યું છે. પહેલા રમતા આરસીબીએ નિર્ધારિત 20 ઓવરમાં 206 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. બેંગલુરુ તરફથી વિરાટ કોહલી અને રજત પાટીદારે અડધી સદી ફટકારી હતી.

  લક્ષ્યનો પીછો કરતી વખતે SRHની શરૂઆત સારી રહી ન હતી કારણ કે ટીમે 50 રનની અંદર 3 મોટી વિકેટ ગુમાવી દીધી હતી. ટ્રેવિસ હેડ આ વખતે કોઈ તોફાન ન સર્જી શક્યો જેણે માત્ર 1 રન બનાવ્યો. જ્યારે તેના પાર્ટનર અભિષેક શર્માએ શરૂઆત તો કરી, પરંતુ ટીમને વધુ સારી સ્થિતિમાં ન લાવી શક્યો. અભિષેકે 13 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા. હૈદરાબાદના બેટ્સમેનો ખાસ કરીને સ્પિન બોલિંગ સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. આરસીબીના સ્પિન બોલરોએ આ ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી

   સનરાઇઝર્સ હૈદરાબાદે પાવરપ્લે ઓવરમાં 62 રન બનાવ્યા હતા, પરંતુ ટીમે પણ 4 વિકેટ ગુમાવી દીધી હતી. 85 રનના સ્કોર પર SRHએ છઠ્ઠી વિકેટ ગુમાવી ત્યારે 10મી ઓવર શરૂ થઈ હતી. એવું લાગી રહ્યું હતું કે હૈદરાબાદ આ મેચ મોટા અંતરથી હારી જશે. દરમિયાન, કેપ્ટન પેટ કમિન્સ અને શાહબાઝ અહેમદ વચ્ચેની 39 રનની ભાગીદારીએ SRHને આશા આપી હતી, પરંતુ કમિન્સ 15 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. કમિન્સે પણ પોતાની ઇનિંગમાં 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.

  સનરાઇઝર્સ હૈદરાબાદને છેલ્લી 5 ઓવરમાં 75 રનની જરૂર હતી, પરંતુ માત્ર 3 વિકેટ હાથમાં રહી હતી. આગળની 3 ઓવરમાં માત્ર 27 રન જ આવ્યા, જેના કારણે ટીમને જીતવા માટે 2 ઓવરમાં 48 રનની જરૂર હતી. શાહબાઝ અહેમદે હૈદરાબાદ માટે 37 બોલમાં 40 રનની ઇનિંગ રમી હતી, પરંતુ 19મી ઓવરમાં મોહમ્મદ સિરાજ અને યશ દયાલની ચુસ્ત બોલિંગે 35 રનથી આરસીબીનો વિજય સુનિશ્ચિત કર્યો હતો

   રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 3 સ્પિન બોલિંગ વિકલ્પો સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં પ્રવેશ કર્યો. આ વ્યૂહરચના પ્રથમ ઓવરથી જ અસરકારક સાબિત થઈ કારણ કે વિલ જેક્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો. આ દરમિયાન કરણ શર્માએ 4 ઓવરમાં માત્ર 29 રન આપીને 2 વિકેટ લીધી હતી. જોકે ત્રીજા સ્પિનર સ્વપ્નિલ સિંહે 3 ઓવરમાં 40 રન આપ્યા હતા, પરંતુ તેણે એડન માર્કરામ અને હેનરિક ક્લાસેનની વિકેટ લઈને RCB માટે મેચને એકતરફી બનાવી દીધી હતી. મેચમાં યશ દયાલે 1 વિકેટ અને કેમરન ગ્રીને 2 વિકેટ લીધી હતી.

(12:09 am IST)