Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી'ના પ્લેટફોર્મ પર દિગ્દર્શક વિરલ રાચ્છ સંચાલિત 'લેટ્સ ટોક' શોમાં સામેલ થયા ઓટીટી પર રિલીઝ થયેલી પહેલી ગુજરાતી ફિલ્મ 'સ્વાગતમ'ના કલાકારો : ગુજરાતી સુપર સ્ટાર મલ્હાર ઠાકર, ચેતન ધનાણી, ઓજસ રાવલ અને કથા પટેલની મસ્ત મજાની વાતો

ઓટીટી અને સિનેમા બંને તેના લેવલ પર છે, સિનેમામાં જઇ ફિલ્મ જોવું એ પર્વ છે, એ ટીવીનું ઓપ્શન છે, એ સિનેમા સાથે જોડાઇ ગયું છે

કલાકારોએ કહ્યું- લોકડાઉન ખુલ્યા પછી ઉત્તમમાં ઉત્તમ અને ગુજરાતીપણા સાથેનું ગુજરાતી મનોરંજન આપવું પડશે, લોકો ઘરમાં રહીને વધુ મેચ્યોર્ડ થયા છે, ગમે તેવું નહિ ચાલેઃ મજબૂત અને મનોરંજક વાર્તાઓ આપવી પડશે, નિર્માતાઓએ પણ વધુ જાગૃત થવું પડશે : મેં અભિનયનો કોર્ષ નથી કર્યો, પણ મને અંદરથી જ ઇચ્છા હતી અભિનય કરવાની, નાનપણથી આ શોખ હતો, કોલેજમાં મોડેલિંગ કર્યુ ને હવે સ્વાગતમ મળીઃ કથા : એકટરને સફળ થવું હોય તો તેનું વાંચન અને વિશ્વ બંને ખુલેલા હોવા જોઇએ. પુષ્કળ વાંચે અનુભવ લ્યે અને ટ્રાવેલ કરે તો એ સફળ થઇ શકેઃ વિરલ રાચ્છ : કોઇ જ મહામારી મનોરંજનને રોકી શકે એમ નથી, મનોરંજન એ જીવનનો ભાગ છેઃ સ્વાગતમ એ પહેલી ડાર્ક કોમેડી ગુજરાતી ફિલ્મ છેઃ ઓજસ રાવલ : વિશ્વના ખુણે ખુણે અમે ઓટીટી થકી પહોંચ્યા છીએ, જ્યાં સિનેમા નથી ત્યાં પણ ઓટીટી થકી પહોંચી શકાય છે, પર સિનેમા 'મા' હૈ...વો તો રહેગીઃ વિરલ રાચ્છ : હું ૯૭-૯૮ ટકા ગુજરાતીઓને ધ્યાને રાખીને ફિલ્મોની પસંદગી કરુ છું: મારી આવનારી ફિલ્મો મજો-મજો કરાવી દેશેઃ મલ્હાર ઠાકર : કોરોના કાળમાં ગુજરાતી ભાષાના તત્વશીલ, મનોરંજક, જ્ઞાનવર્ધક, સાચી-સારી વાતો લોકો સુધી પહોંચાડવી એ 'અકિલા'ની ટીમ ગુજરાત્રીએ નક્કી કર્યુ અને એમાં સફળ પણ રહ્યાઃ શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રાની સતત પ્રેરણા અને સહકારથી 'ટીમ ગુજરાત્રી'ના સ્વપ્નદ્રષ્ટા શ્રી નિમીષભાઇ ગણાત્રા, શ્રી હિરેન સુબા, શ્રી મિલીન્દ ગઢવી અને દિગ્દર્શક શ્રી વિરલ રાચ્છે સતત અવિરત કાર્યક્રમો આપ્યા : આટલા બધા કલાકારો એક સાથે આવી રહ્યા હોય તેવું દોઢ વર્ષ પછી થયું છે, ઇન્ડસ્ટ્રીને ફરીથી વધાવવાની શરૂઆત થઇ છેઃ ચેતન ધનાણી : ઓજસ રાવલે કહ્યું-ભણ્યો સાયન્સ, ભણાવ્યું કોમર્સ અને આવ્યો આર્ટસમાં...હું ડોલરોની દોડમાં ન ગયો, તાર્કીક અને કલાત્મક સંગોષ્ઠી કરવાથી મારો જન્મ સફળ થઇ જશે એવું લાગ્યું અને આ ફિલ્ડમાં આવી ગયો

રાજકોટ તા. ૨૬: કોરોના કાળમાં છેલ્લા દોઢ વર્ષથી અકિલાના ડિજીટલ પ્લેટફોર્મ 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી' લોકોને સતત કંઇક નોખા અનોખા અને મનોરંજન સાથે પ્રેરણા પણ આપે, માર્ગદર્શન પણ આપે અને કોરોના સામે જાગૃત રહેવાની, સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાની તેમજ વેકસીન મુકાવવી જ જોઇએ એ વાત પર ભાર મુકે તેવી વાતો અલગ અલગ કાર્યક્રમો મારફત સતત પીરસી રહ્યું છે. આ વખતે 'લેટ્સ ટોક' કાર્યક્રમમાં વિખ્યાત દિગ્દર્શક સંચાલક શ્રી વિરલ રાચ્છ સાથે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'સ્વાગતમ'ના કલાકારો સર્વેશ્રી મલ્હાર ઠાકર, કથા પટેલ, ચેતન ધનાણી અને ઓજસ રાવલે મસ્ત મજાની, અલક મલકની અને મોજ કરાવતી, સમજણ આપણી વાતો કરી હતી. કોરોના કાળમાં ઓટીટી પ્લેટફોર્મ ખુબ ફાલ્યુ ફુલ્યું છે. એ વિશે પણ આ કલાકારોએ પોતાની વાતો કરી છે.

શ્રી વિરલ રાચ્છે 'અકિલા'ના ડિજીટલ પ્લેટફોર્મ પર સોૈને આવકારતાં કહ્યું હતું કે-'અકિલા'ના શ્રી નિમિષભાઇ ગણાત્રા, હિરેન રાચ્છ, મિલીન્દ ગઢવી અને મેં મળીને નક્કી કર્યુ હતું કે આ કોરોના કાળમાં તત્વશીલ, મનોરંજક ગુજરાતી ભાષાની કોઇપણ વાતો તમારા સુધી પહોંચાડવી. એ કવિતા હોય, અભિનયની વાત હોય, કહાની હોય કે ફિલ્મની વાત હોય. પહેલીવાર નવી ગુજરાતી ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર સીધી રિલીઝ થઇ છે, આ ફિલ્મ સિનેમામાં નથી આવી. આ ફિલ્મનું નામ છે-સ્વાગતમ. આ ફિલ્મની વાત, તેના કલાકારો સાથે વાત, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથેની વાત , કલાકારોની પોતાની અંગત વાતો આ ટોક શોમાં સામેલ છે.

ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર મલ્હાર ઠાકર, ચેતન ધનાણી (રેવા ફેઇમ), વર્સેટાઇલ એકટર કોમેડીયન  ઓજસ રાવલ અને અભિનેત્રી કથા પટેલ આ શોમાં જોડાયા હતાં. આ ચારેય સ્વાગતમ ફિલ્મના મુખ્ય કલાકારો છે. મલ્હાર ઠાકરથી શ્રી વિરલ રાચ્છે ટોક શોની શરૂઆત કરી હતી અને તેમને પુછ્યું હતું કે લાંબા સમય પછી (ભલે ઓટીટી હોય) સ્ક્રીન પર પાછા ફરીને તને કેવું લાગ્યું?

મલ્હાર ઠાકરે ઉત્તર આપતાં કહ્યું-બહુ મજા આવી, એવું લાગ્યું કે પાછા આવી રહ્યા છીએ. એકાદ દોઢ વર્ષથી કંઇ થયું નહોતું. ગુજરાતી લોકો સતત પ્રેમ કરે છે ગુજરાતી ભાષાને અને મને વધાવે છે. એટલે મારી ઇચ્છા હોય છે કે હું સતત લોકોને મનોરંજન મળે એવી વસ્તુ આપું. સ્વાગતમ એ એવી ફિલ્મ છે જે માત્ર અને માત્ર ઓટીટી માટે જ બનાવાઇ હતી. આ પહેલી ફિલ્મ કે જે ઓટીટી પર આવતી હતી અને ઘણાબધા કલાકારોનો મેળાવડો હતો એ કારણે હું જોડાઇ ગયો હતો.

વિરલે બીજા કલાકાર ચેતન ધનાણીને પુછ્યું-કે તમે આ ફિલ્મ સાથે જોડાયેલા હતાં તો પણ બધાને કેમ છેલ્લે છેલ્લે ખબર પડી? ચેતને રમૂજ સાથે કહ્યું હતું કે-એ એટલા માટે કે હું ફિલ્મમાં સાવ છેલ્લે છેલ્લે જ આવુ છું. હું મહેમાન કલાકાર છું. મલ્હાર અને નિર્દેશક નિરજભાઇ આ ફિલ્મ સાથે છે બસ એટલુ જ મેં જાણ્યું હતું ને અને હું સામેલ થઇ ગયો હતો. ફિલ્મમાં કામ કરીને ખુબ મજા આવી છે.

વિરલે કથાને પુછ્યું-તને કઇ રીતે અભિનય કરવાનું કઇ રીતે સુઝયું? કથાએ કહ્યું-મેં પ્રોફેશનલી અભિનયનો કોર્ષ નથી કર્યો, પણ મને અંદરથી જ ઇચ્છા હતી અભિનય કરવાની. નાનપણથી આ શોખ હતો. કોલેજમાં મોડેલિંગ કર્યુ. પછી અભિનયમાં આગળ વધવા પ્રયાસો કર્યો. મને સ્વાગતમ માટે કોલ આવ્યો અને કહેવાયું કે તમારા કો-સ્ટાર મલ્હાર ઠાકર છે ત્યારે જ મેં નક્કી કરેલું કે ખુબ મહેનતથી ઓડિશન આપી આ ફિલ્મ તો મારે જ કરવી છે. બસ પછી મારી જર્ની આ ફિલ્મથી શરૂ થઇ ગઇ.

સંચાલકશ્રી વિરલ રાચ્છે એ પછી કલાકાર ઓજસ રાવલને સવાલ પુછતાં ઓજસે અકિલાના ટોડલેથી સોૈને રામ રામ કરી વાત આગળ વધારી હતી કે-કોઇ જ મહામારી મનોરંજનને રોકી શકે એમ નથી. મનોરંજન એ જીવનનો ભાગ છે, આર્ટસ અને એન્ટરટેઇનમેન્ટ એ ખુબ મહત્વના છે. લોકડાઉનના જેનું કામ શરૂ થયું અને પુરૂ થયું એ પહેલી ગુજરાતી ફિલ્મ સ્વાગતમ છે, આ ફિલ્મ ઓટીટી અને થિએટરમાં પણ રિલીઝ થતી હોય તેવી પહેલી ફિલ્મ છે. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં ડાર્ક કોમેડી એવી પણ આ પહેલી ફિલ્મ છે. રોમાન્સ છે અને હાસ્ય પણ છે. આવા વિષય સાથે સાહસ કરનાર ડિરેકટર નિરજ જોષી અને પીઠબળ આપનાર નિર્માતા ભરતભાઇ સેવક મળ્યા અને ફિલ્મ બની. ઓટીટી પર રિલીઝ થયાના બે દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે.

 નિર્દેશક નિરજભાઇ સાથે મલ્હારની આ ચોથી ફિલ્મ છે, એના વિશે મલ્હારે કહ્યું કે આખી ફિલ્મમાં મિત્રતાની ભાવનાથી કામ થયું છે. નિરજભાઇ સાથે હવે મિત્રતા થઇ ગઇ છે.

મલ્હાર ઠાકરે આ લોકડાઉનના સમયમાં શું કર્યુ? એવા વિરલ રાચ્છના સવાલમાં મલ્હારનો જવાબ હતો કે-મને તો દસ વર્ષે ઘરે બેસવાનો મોકો મળ્યો છે. ૨૦૦૮થી મુંબઇ સહિતના સ્થળે રખડતો હતો. ઘરે બેઠા લાઇફનું પ્લાનીંગ કર્યુ, સેવાઓ કરી, એનજીઓને હેલ્પ કરી, મારી જાતને એકસપ્લોર કરી. ઘરે બેસી ક્રિએટીવ કામ કર્યુ, અનનોન આર્ટીસ્ટને શોધી ઓનલાઇન કામ કર્યુ, લોકડાઉનમાં મને મજા આવી. પૈસા પુરા થતાં હતાં ત્યાં સ્વાગતમ આવી ને બધુ મેનેજ થઇ ગયું. પાટે ચડી ગયું.

વિરલનો ચેતન ધનાણી સવાલ-એકટર-મેકર્સએ હવે પછી કઇ પ્રકારનું કન્ટેઇન્ટ લાવવું પડશે? કેવું કામ કરવું પડશે?

ચેતને કહ્યું-આ લોકડાઉનને કારણે હવે કન્ટેન્ટ પર વધુ ધ્યાન આપવું પડશે. દુનિયાભરનું બધાએ ઘરબેઠા જોઇ નાંખ્યું છે. દેશ વિદેશમાં ખુબ ઉત્તમ પીરસાયું છે. હવે ગુજરાતીપણું ભરપુર હોય અને સાથે ભરપુર મનોરંજન હોય તેવી મજબુત વાર્તાઓ સાથેની ગુજરાતી ફિલ્મો આપવી પડશે. તમારી જવાબદારી હવે વધી ગઇ છે. મેકર્સ તરીકે પણ ખુબ ધ્યાન રાખવું પડશે. ગમગીન માહોલમાં હળવીફુલ ફિલ્મો પણ વધુ આપવી પડશે. વિરલે કહ્યું- દર્શકો હવે મેચ્યોર્ડ થઇને આવશે એટલે વધુ સારી ફિલ્મો આપવી પડશે. દર્શકોએ ઇંગ્લીશ ફિલ્મો પણ જોઇ છે. ગુજરાતીપણા સાથેની સારામાં સારી ફિલ્મો હવે આપવી પડશે.

વિરલે મલ્હારની આવનારી ફિલ્મો વિશે પુછતાં મલ્હારે કહ્યું-આવાનારા સમયમાં હું સમયમાં ડિટેકટીવ, સ્પોર્ટસ સહિતના અનેક અલગ અલગ  નવા વિષયો સાથે દર્શકો સામે આવીશ. ડબલ રોલમાં પણ દેખાઇ શકું. નવી નવી પુષ્કળ વાર્તાઓ પણ મેં સાંભળી છે.  તેના પર કામ થશે. જેટલી ફિલ્મો હું સિલેકટ કરુ છું એ ૯૭-૯૮ ટકા ગુજરાતીઓને ધ્યાને રાખીને પસંદ કરુ છું. મને ગમે તો ગુજરાતીઓને પણ ગમવું જોઇએ, એવુુ વિચારીને હું કામ કરતો હોઉ છું. જે ચાર ફિલ્મો આવશે એ બધાને ખુબ મજા કરાવી દેશે.

વિરલનો કથાને સવાલ-ફિલ્મમાં આવ્યા પછી એકટરે શું કરવું જોઇએ?

કથા-ફિલ્મમાં આવવા ઇચ્છતા હો તો તમારે તૈયારી કરવી જ પડે. તૈયારી સાથે તાલિમ હોય તો તમને અલગ લેવલે પહોંચાડી શકે છે. મેં ફિલ્મના વર્કશોપમાં તાલિમ લીધી હતી. બધા અભિનેતા પાસેથી માહિતી લીધી હતી. હવે તાલિમ લેવી જરૂરી છે, અભિનયની તાલિમમાં ખુબ નાની નાની વાતો જાણવા મળી રહી છે. હવે હું એક સ્ટેપ વધુ સારુ કામ કરીશ.

વિરલનો સવાલ-ઓજસ તમે લોકડાઉનમાં શું કર્યુ?

ઓજસ-મેં ઘણું બધુ કર્યુ, વર્ક ફ્રોમ હોમ એકટર તરીકે ઓછુ હોય. એકટીંગ ઘરેથી ન કરી શકો. જુનો પ્રેમ હતો મારો એ ઓડિયો બૂકસ રેકોર્ડ કરી. કાર્ટૂન નેટવર્ક, પોગો ઉપર અડધા અવાજો મારા હોય છે. એ લોકો વિડીયો મોકલાવે એમાં હું ઘરે જ અવાજ રેકોર્ડ કરી દઉ. ગાર્ડનીંગ અને સંગીત સાંભળ્યું. ઘણા કલાકારો કોમેડી કરે છે તેમાંથી કેટલાકે ઘરેથી શો કર્યા. પણ મેં ના પાડી દીધી. કારણ કે મને ઓડિયન્સ દેખાતુ નહોતુંં. જો ઓડિયન્સ રિસ્પોન્સ સામે ન હોય તો મને સ્ટેન્ડઅપ કોમેડી કરવી ન ગમે. અમુક કોમેડીયન દિવસમાં બબ્બે શો કરી નાંખે છે. એવું હું કરી શકતો નથી.

વિરલનો સવાલ-ચેતન હાલના સમયમાં અને લોકડાઉન પછી લોકોએ શું કરવું? લોકો માટે શું મેસેજ?

ચેતનનો ઉત્તર-મારુ પર્સનલી માનવું છે કે ખુબ જ શાંતિ જાળવવી જોઇએ, હાલમાં કોઇ ઓપિનીયન તરફ જવાનો સમય નથી. અત્યારે આ સમયને ગમે તેમ કરીને પસાર કરી દેવાનો છે. નેગેટિવિટીથી ભરપૂર સમય છે એ ન ફેલાવીએ, આપણે પોઝિટિવ રહીએ. માનવ સર્જીત નેગેટિવિટીને આપણે જેટલી બને એટલી ઓછી કરીએ. સરકારને કોઇપણ જાતના ભેદભાવ કે વિરોધ વગર ટેકો આપીએ. કોઇપણ જાતની બબાલ કર્યા વગર આ સમય પસાર કરીએ, પછી ઝઘડવાનો સમય પડ્યો જ છે.

મલ્હારે સ્વાગતમમાં બીજા કલાકારોમાં વંદના પાઠક, બ્રિંદા રાવલ, જય ઉપાધ્યાય, વૈભવ બીનીવાલે, સતિષ ભટ્ટ, મગન લોહાર, સુનિલ વિઠ્ઠલાણી, શોૈનકભાઇ સહિતનાએ જમાવટ કર્યાનું અને આ બધા સારા કલાકાર હોવા સાથે સારા માણસો પણ હોવાનું કહ્યું હતું. ટોક શોની વચ્ચે સ્વાગતમ ફિલ્મનું ટ્રેલર પણ શ્રી નિમિષભાઇ ગણાત્રાએ ભાવકો-ચાહકો માટે રજુ કર્યુ હતું.

વિરલનો ચારેય કલાકારોને સવાલ-ભવિષ્ય શામાં રહેલુ છે? ઓટીટી કે સિનેમાઘરો?

મલ્હાર-મારા માટે ઓટીટી ટેમ્પરરી છે, સિનેમા એ સિનેમા છે. અત્યારે બધુ પેરેલલ ચાલે છે. હાલમાં ઓટીટીનું લેવલ બે ટકા ઉપર છે. જેને ખબર નહોતી એ પણ ઓટીટી પર આવ્યા છે. બંને પ્લેટફોર્મ તેના લેવલ પર છે. પણ સિનેમા ખુલશે ત્યારે લોકોને ગમે છે એ ત્યાં ંજ જશે.

ઓજસ-અમુક કારણોસર આજે બધા ઓટીટી પર પોતપોતાની રીતે જોઇ શકે છે. એના માટે યોગ્ય છે. પણ સિનેમા હોલ એનાથી બંધ નહિ થાય. તમારે બાહુબલી જોવું હોય તો સિનેમામાં જ જવું પડે. સિનેમાઘરમાં જઇ હમ દો હમારે દો સાથે ફિલ્મ જોવું એ પર્વ છે, એ ઓટીટી પુરૂ નહિ પાડી શકે.

ચેતન-મારું કહેવું છે કે ઓટીટી એ ટીવીનું ઓપ્શન છે, સિનેમાનું નહિ. લોકો લેપટોપ મોબાઇલમાં જોઇ શકે. કન્ટેન્ટ વાઇઝ ઓટીટી મળે છે. તેના કારણે સિનેમાના કન્ટેન્ટ સુધર્યા છે. હાલમાંપબ્લીક જતી નથી. પણ સિનેમા શરૂ થયા છે ત્યારથી બધા જુએ છે. લોકો ખુબ શોખીનો હોય છે. જેને મોટા પરદે ગમે છે.

કથા-થિએટર કલાસીક છે, ઓડિયન્સ હવે મેચ્યોર્ડ છે. સિનેમા સાથે ઓટીટી જોડાઇ ગયું છે. આ સારી વસ્તુ છે કે આપણા ટાઇમ પ્રમાણે જોઇ  શકીએ. નવા કલાકારોને પણ ઓટીટી આગળ લાવી શકે છે.

વિરલ-મલ્હાર ગુજરાતીઓ માટે હાલના અને પછીના સમયમાં કેવો બદલાવ આવવો જોઇએ?

મલ્હાર-કોલર ટ્યુન બધા સાંભળે છે કે  સાવચેત રહો, માસ્ક પહેરવાનું...પણ સોૈથી વધુ જરૂરી છે એ છે હાલના સમયમાં માનસીક રીતે મજબૂત થાવ, તમારી હેલ્થ સાચવો, લોકોની વચ્ચે રહો, એકલા ન થઇ જાવ. તમે ગમે તેની સાથે વાત કરી શકો તેવા સંબંધ હોવા જોઇએ. તમે એકલા નહિ ભલભલાના જગત ફરી ગયું છે. સો કરોડ પાંચસો કરોડ કમાનારાને પણ લોસ છે. તમે ઓછી વસ્તુઓ-ઓછી જરૂરીયાતોમાં જીવી શકતાં હો તો આવનારો સમય સારો જ આવવાનો છે. એકબીજાની નાનામાં નાની મદદ થાય એ પણ જરૂરી છે. અત્યંત ખુશ રહો. તમે તમારા હૃદયને પુછશો તો જવાબ મળશે કે આ સમય પણ માણી શકો છો. એ માટે તમારે જાતે તૈયાર થવાનું છે.

વિરલ રાચ્છે ટોક શો આગળ વધારતાં ઓજસ રાવલને પુછ્યું કે તમારી માત્ર ઇમેજ કોમડીયનની છે, પણ તમારું શિક્ષણનું ફિલ્ડ અલગ જ છે? આ વિશે શું કહેશો?

ઓજસે કહ્યું-હું ભણ્યો સાયન્સ, ભણાવ્યું કોમર્સ અને અત્યારે આર્ટસ કરુ છું. આ ત્રણેય હું શીખ્યો છું.  પરદેશમાં મેડિકલમાં અભ્યાસ કર્યો. પછી ત્યાં કોમર્સ ભણાવ્યું . ૨૦૧૨માં ભારત આવ્યા પછી હું કલીનીક સાથે જોડાવ એ પહેલા કુંદન શાહ સાથે જોડાયો. જાને ભી દો યારો-૨ બની છે એ બે જણે જ વાંચી છે. સાજીદ નડિયાદવાલા અને હું. કુંદન શાહ થકી હું ડિરેકશન, સ્ક્રીપ્ટીંગ, એકટીંગ એ બધુ એમના થકી શીખ્યો છું. સ્ટેન્ડઅપ કોમેડી, નાટકો શરૂ થઇ ગયા હતાં. કલર્સ ગુજરાતીનો જન્મ થઇ રહ્યો હતો ત્યારે મેં એ પણ જોઇન કર્યુ. આર્ટસમાં એટલો લગાવ થઇ ગયો કે પછી મેડિકલ તરફ ન ગયો. કલા તમને અહિ ખેંચી લાવે છે. ડોલરોમાં હું ન્હાતો હોત પણ તેના પાછળની દોડ થઇ જાત.  એના કરતાં તાર્કીક અને કલાત્મક સંગોષ્ઠી કરવાથી મારો જન્મ સફળ થઇ જાય એવું મને લાગ્યું અને હું આ ફિલ્ડમાં આવી ગયો.

સ્વાગતમ ફિલ્મ શા માટે જોવી જોઇએ? એ સવાલના ચારેય કલાકારોએ આપ્યા હતાં આવા જવાબો.

મલ્હાર-સ્વાગતમ એટલા માટે જોવી કે આપણા ભાષાની અને ઓટીટી પરની પહેલી ગુજરાતી ફિલ્મ  છે, સોૈના મનગમતા કલાકારો પણ એમાં છે.

ચેતન-આટલા બધા કલાકારો એક સાથે આવી રહ્યા હોય તેવું દોઢ વર્ષ પછી થયું છે. ઇન્ડસ્ટ્રીને વધાવવાની શરૂઆત છે એ માટે જોવી જ રહી.

ઓજસ-અત્યારે આનાથી વધુ મનોરંજક અને રોમાંચક ગુજરાતી ભાષામાં જોવા જેવું બીજું નથી. આ અલગ જ જોનરની ગુજરાતી ફિલ્મ છે.

કથા-સરસ કલાકારો જોડાયા છે, એવા કેટલાય પ્રસંગો છે જે તમને ખુબ મજા આવશે...કંટાળો નહિ આવે. સતત મનોરંજન મળશે. રોમાન્સ, કોમેડી, મિસ્ટ્રી બધુ જ છે. ફુલ એન્ટરટેઇનમેન્ટ પેકેજ.

અંતમાં દિગ્દર્શક-સંચાલક શ્રી વિરલ-રાચ્છે આભાર વિધી કરતાં કહ્યું હતું કે-'અકિલા' આપ સોૈને હમેશા સત્વશીલ, હકારાત્મક વાતો પીરસતું અખબાર છે, આ એવું અખબાર છે જે જરૂ પડ્યે ગમે તેવા ચમ્મરબંધીનો કાન પણ આમળી શકે છે. લોકડાઉનમાં ડિજીટલના માધ્યમથી સાચી અને સારી વાત પણ કરતું આવ્યું છે. શ્રી કિરીટભાઇ ગણાત્રા, અજીતભાઇ ગણાત્રા, શ્રી નિમીષભાઇ ગણાત્રા, શ્રી હિરેનભાઇ સુબા, શ્રી મિલીન્દભાઇ ગઢવી અને  હું વિરલ રાચ્છ આ સોૈનું અભિવાદન કરું છું.

  • મલ્હારની મોજીલી-તેજીલી-સમજણ આપતી વાત...

સોૈથી વધુ જરૂરી એ છે કે હાલના સમયમાં માનસીક રીતે મજબૂત થાવ, તમારી હેલ્થ સાચવો, લોકોની વચ્ચે રહો, એકલા ન થઇ જાવ. તમે ગમે તેની સાથે વાત કરી શકો તેવા સંબંધ હોવા જોઇએ, તમે એકલા નહિ ભલભલાનું જગત ફરી ગયું છે, સો કરોડ-પાંચસો કરોડ કમાનારાને પણ લોસ છે, તમે ઓછી વસ્તુઓ-ઓછી જરૂરીયાતોમાં જીવી શકતાં હો તો આવનારો સમય સારો જ છે...

  • ચેતન ધનાણીની ચેતનવંતી વાત...

હાલના સમયમાં ખુબ જ શાંતિ જાળવવી જોઇએ, કોઇ ઓપિનીયન તરફ જવાનો સમય નથી, નેગેટિવિટી ન ફેલાવીએ, આપણે પોઝિટિવ રહીએઃ માનવ સર્જીત નેગેટિવિટીને દૂર કરીએઃ સરકારને કોઇપણ જાતના ભેદભાવ કે વિરોધ વગર ટેકો આપીએઃ કોઇપણ જાતની બબાલ કર્યા વગર આ સમય પસાર કરીએ, પછી ઝઘડવા માટેનો સમય પડ્યો જ છે...

  • નવા કલાકારોને આગળ લાવવાનું પણ મલ્હાર ઠાકર કરે છે કામ

.મિલીન્દ ગઢવીની એક કોમેન્ટ અંતર્ગત મલ્હાર ઠાકરની બીજાને મદદ કરવાની, નવા કલાકારોને આગળ લાવવાની ખેવના પણ સામે આવી હતી. મલ્હારે કહ્યું હતું કે  મેં ઇંસ્ટાગ્રામ લાઇવ પર ઘણા કલાકારો સાથે કામ કર્યુ છે. જે અજાણ્યા હતાં એવા કલાકારો પણ તેમાં સામેલ છે.  લોકો સુધી નવુ સંગીત પહોંચે એ માટે મેં કામ કર્યુ છે. નવા કલાકારોનો મેળાવડો કરવાનો ઇરાદો છે. પાંચ નવા સિંગર, ત્રણ નવા એકટર્સને ભેગા કરવાનો પણ મારો પ્લાન છે. લોકોને ઉપર લાવો, તેમની સાથે રહો, તેમને મદદ કરો, કામ આપો. છુપાયેલી ટેલેન્ટને ફ્રન્ટ પર લાવવાનો મારો ઇરાદો છે. લીબડીના એક કલાકાર સાથે મેં લાઇવ કર્યુ હતું. એ વિડીયો ખુબ વાયરલ થયો હતો. એ પછીના એક વર્ષમાં એમને ખુબ કામ મળ્યું. એમટે બાદમાં મોટુ હાર્મોનિયમ લઇ એમાં થેન્કયુ મલ્હાર લખ્યું હતું. બસ આ જ ખુશી છે.

- ગુજરાતી અભિનેતા તરીકે સુપરસ્ટારની છાપ ઉભી કરેલા મલ્હાર ઠાકર એક સારા કવિ પણ છે. એ વર્ષોથી લખે છે. 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી'ના પ્લેટફોર્મ પર તેણે એક મસ્ત કવિતા રજૂ કરી હતી. જે અહિ પ્રસ્તુત છે...આ કાવ્યનું નામ છે-

તે દિ' સમજાશે...

કોઇ આમ મુકીને ચાલ્યું જાય, 

એમ તમને કોઇ મુકીને ચાલ્યુ જશે તે દિ' તમને સમજાશે,

ઘરના ઉંબરે સાથીયો કરવા કંકુ ખુટશે તે દિ' તમને સમજાશે.

વાયરાથી બારણું અથડાય તો ઠીક ,

પણ જો કાયમ માટે એ બંધ થઇ જશે તે દિ' તમને સમજાશે

સઘળુ છોડ્યા બાદ કયાંક કોઇ જગ્યાએ,

ઘરનું એક નાનું ચિત્ર મળશે તે દિ' તમને સમજાશે.

બધુય શાંત હશે સાવ નર્યો તાપ હશે,

અને જો અગાસી થોડી ભીની મળશે તે દિ' તમને સમજાશે,

કે ખોળો  છે ખભો'ય છે અને એક બીજાની આંખો છે,

વહેવું હોય એટલુ વહી જશે,

આ બધુ જો એકલા કરવાનું થશે તે દિ' તમને સમજાશે.

(12:13 pm IST)