Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

લગ્નમાં પોલીસે દરોડો પાડતાં વરરાજા દુલ્હનને મૂકી ભાગ્યો

કર્ણાટકના ચિકમંગલૂરમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ : આ લગ્નમાં ૩૦૦થી વધુ લોકો હાજર હતા, પોલીસે આ લગ્નના આયોજકો તેમજ ૧૦ લોકોની સામે કેસ કર્યો

કર્ણાટક, તા. ૨૬ : કોરોનાની બીજી લહેરના કારણે ઘણા રાજ્યોમાં સરકારે લગ્નોના આયોજન પર પ્રતિબંધ મુક્યો છે અથવા તો ગણતરીના જ આમંત્રિતોને બોલાવવાની છુટ આપી છે.

આ પ્રકારના સંજોગોમાં પણ કેટલાક લોકો ગાઈડલાઈનનુ ઉલ્લંઘન કરીને લગ્ન કરી રહ્યા છે. કર્ણાટકમાં બનેલા આવા જ એક કિસ્સામાં ચિકમંગલૂર જિલ્લામાં ગાઈડલાઈનનો ઉલ્લંઘન કરીને લગ્ન સમારોહ યોજાયો હતો. પોલીસને આ વાતની જાણ થતા જ રેડ પાડી હતી. પોલીસને જોઈને લગ્ન હોલમાં દોડધામ મચી ગઈ હતી. તેમાં પણ પોલીસને જોઈને વરરાજા દુલ્હનને મુકીને ભાગી ગયા હતા. આ લગ્નમાં ૩૦૦ થી વધારે લોકો હાજર હતા. પોલીસે આ લગ્નના મામલામાં આયોજકો તેમજ ૧૦ લોકો સામે કેસ કર્યો છે.

અન્ય એક કિસ્સામાં કર્ણાટકના માંડ્યા જિલ્લાના હોસુર ગામમાં ગ્રામ પંચાયતના સભ્યની પુત્રીના લગ્ન થઈ રહ્યા હતા. આ લગ્નમાં પણ ૩૦૦ કરતા વધારે લોકો હાજર હતા. પોલીસે દરોડો પાડ્યો હતો અને ચાર કારને કબ્જે કરી હતી. બીજા ૧૦ લોકો સામે કેસ કર્યો હતો.

કર્ણાટકે સાત જુન સુધી લોકડાઉન વધાર્યુ છે અને કોરોનાના વધતા જતા કેસના કારણે ૧૦ મેથી આકરા પ્રતિબંધો લાગુ કર્યા છે. રાજ્યમાં મંગળવારે ૨૨૦૦૦ નવા કેસ નોંધાયા છે.

(8:15 pm IST)