Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

ભાજપની ચૂંટણી જીતની હવસ ગંગાને શબ વાહિનીમાં ફેરવશે

શિવસેનાના મુખપત્ર સામનામાં કેન્દ્ર સરકાર પર પ્રહાર : દેશની સમસ્યાઓ સમાપ્ત થઈ છે એટલે હવે ચૂંટણીઓની જાહેરાત કરવી, મોટી સભા કરવી, રોડ શો કરવાના બાકી

મુંબઈ, તા. ૨૬  : શિવેસનાના મુખપત્ર સામનામાં ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધવામાં આવ્યુ છે.જેમાં કહેવાયુ છે કે, પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ફરી યુપીમાં ચૂંટણી તૈયારીમાં લાગી ગયા છે.ચૂંટણી જીતવાની હવસ ગંગા નદીને હિન્દુઓની શબ વાહિનીમાં ફેરવી નાંખી શકે છે.

સામનાના લેખમાં કહેવાયુ છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપ જીત મેળવી શક્યુ નથી. ખુદ યુપીના સીએમ બંગાળમાં સ્ટાર પ્રચારક હતા. હિન્દુત્વના નામ પર બંગાળમાં ધાર્મિક વિભાજન થઈ શક્યુ નહોતુ અને ત્યાં હિન્દુત્વની ટુલકિટ કામ લાગી નહોતી. યુપીમાં બંગાળ જેવુ ના થાય તે માટે બધા અત્યારથી કામે લાગી ગયા છે. દેશની તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ ચુકી છે એટલે હવે ચૂંટણીઓી જાહેરાત કરવી, મોટી સભાઓ કરવી અને રોડ શો કરવાના જ બાકી રહી ગયા છે. શું અત્યારનો માહોલ ચૂંટણીઓ યોજવા માટે યોગ્ય છે ખરો?

તેમાં લખવામાં આવ્યુ છે કે, પશ્ચિમ બંગાળ સહિતની ચાર રાજ્યોની ચૂંટણીના કારણે કોરોનાનુ મોટુ જોખમ સર્જાયુ હતુ.બંગાળમાં આઠની જગ્યાએ એક જ તબક્કામાં ચૂંટણી યોજવાની વાત સરકારે કાને ધરી નહોતી. હાઈકોર્ટે પણ તેની ટીકા કરી હતી અને હવે યુપીના મામલામાં આ જ ભૂલ કેન્દ્ર સરકાર કરવા જઈ રહી છે. ગંગા નદીમાં અત્યારે લોકોના મૃતદેહો જોવા મળી રહયા છે. જેની તસવીરો દુનિયાભરમાં છપાઈ છે. હવે બગડેલી ઈમેજ કેવી રીતે સુધારી શકાય અને ચૂંટણી જીતવા શું કરી શકાય તેના પર ચિંતન થઈ રહ્યુ છે.

સામનામાં કહેવાયુ છે કે, ગંગામાં વહી રહેલા મૃતદેહોને તો ફરી જીવતા કરી શકાય તેમ નથી. આ મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવા માટે પણ સંઘ પરિવારના સ્વયંસેવકો આગળ આવતા નજરે પડી રહ્યા નથી. આ દ્રશ્યો આગામી ચૂંટણીમાં તકલીફજનક સાબિત થશે. અયોધ્યામાં રામ મંદિરનુ પૂજન કોરોના કાળમાં કરાયુ હતુ પણ ભૂમિ પૂજન પર ગંગામાં વહી રહેલી લાશો ભારે પડી રહી છે. અયોધ્યા આંદોલન વખતે કાર સેવકો પર ગોળીઓ ચલાવાઈ ત્યારે સરયૂ નદીમાં સાધુ સંતો અને કાર સેવકોની લાશો જોવા મળી રહી હતી. આ આંદોલન થકી ભાજપની સરકાર કેન્દ્રમાં આવી પણ આજે ગંગામાં હિન્દુઓની લાશો વહી રહી છે. જે ભાજપને પરાજય તરફ ધકેલી રહી છે. કોરોનાની લડાઈની જગ્યાએ ચૂંટણીને પ્રાથમિકતા આપવામાં આવશે તો એવુ ના થાય કે ગંગા નદી હિન્દુઓ માટે શબ વાહિની બની જાય.

(8:20 pm IST)