Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં ૩૮૦ પોઈન્ટનો મજબૂત ઊછાળો

અર્થતંત્રમાં સુધારો થવાની સંભાવનાથી રોકાણકારોની ભાવના મજબૂત : નિફ્ટીએ ૯૩ પોઈન્ટના કૂદકા સાથે ૧૫,૩૦૦નું મથાળું વટાવ્યું, સેન્સેક્સની કંપનીઓમાં બજાજ ફિનસર્વમાં સૌથી વધુ ઉછાળો : ઓએનજીસીમાં ઘટાડો

મુંબઈ, તા. ૨૬ : ઇન્ફોસીસ, એચડીએફસી અને ટીસીએસ જેવી મોટી કંપનીઓના શેરોમાં વધતા ઉછાળા અને એશિયન બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે સેન્સેક્સ બુધવારે ૩૮૦ પોઇન્ટ વધ્યો હતો. ૩૦ શેરો વાળા બીએસઈનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૭૯.૯૯ અંક એટલે કે ૦.૭૫ ટકા વધીને ૫૧,૦૧૭.૫૨ ના સ્તર પર બંધ થયો છે. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી  ૯૩ પોઇન્ટ અથવા ૦.૧૭ ટકાના વધારા સાથે ૧૫,૩૦૧.૪૫ પોઇન્ટ રહ્યો છે.

સેન્સેક્સ કંપનીઓમાં બજાજ ફિનસર્વનો શેર સૌથી વધુ પાંચ ટકા વધ્યો હતો. બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસીસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ અને એચડીએફસીના શેર પણ નફાકારક હતા. બીજી તરફ, પાવરગ્રિડ, એનટીપીસી, ઓએનજીસી અને કોટક બેંકના શેરમાં ઘટાડો થયો છે.

રિલાયન્સ સિક્યોરિટીઝના સ્ટ્રેટેજી હેડ વિનોદ મોદીએ જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરથી અર્થતંત્રમાં સુધારો થવાની સંભાવનાથી રોકાણકારોની ભાવના મજબૂત થઈ છે.

અન્ય એશિયન બજારોમાં ચીનના શાંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગની હેંગસેંગ અને જાપાનની નિક્કી શામેલ છે. સિઓલનના કોસ્પીમાં ગિરાવટ આવી હતી. બપોરના કારોબારમાં યુરોપિયન બજારોમાં મિશ્ર વલણ હતું. દરમિયાન, આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ તેલ પ્રતિ બેરલ. ૬૮.૫૦ ડોલર પર સ્થિર હતું.

દરમિયાનમાં ઘરેલૂ સોની બજારમાં બુધવારે સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓના ભાવમાં વધારો નોંધાયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે સોનાનો હાજર ભાવ ૫૨૭ રૂપિયાના વધારા સાથે ૪૮,૫૮૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગયો છે. વૈશ્વિક સ્તર પર ભાવ વધારાને કારણે ભારતીય બજારમાં પણ તેજી આવી છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોનું ૪૮૦૬૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના ભાવ પર બંધ થયું હતું.

સોનાની સાથે ચાંદીના હાજર ભાવમાં પણ બુધવારે સારો વધારો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં બુધવારે ભારે માંગને કારણે ૧૦૪૩ રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે. આ સમયે ચાંદીનો ભાવ ૭૧,૭૭૫ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં ચાંદી ૭૦૭૩૨ રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર બંધ થઈ હતી. 

આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો બુધવારે સોનું વધારા સાથે ૧૯૦૮ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. તો ચાંદીનો વૈશ્વિક ભાવ ૨૮.૦૭ ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર ટ્રેડ કરી રહ્યો હતો.

ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો બુધવારે સાંજે એમસીએક્સ પર ૪ જૂન ૨૦૨૧ વાયદા સોના ભાવ ૧૬૮ રૂપિયાની તેજીની સાથે ૪૯,૦૩૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. તો ૫ જુલાઈ ૨૦૨૧ વાયદા ચાંદીનો ભાવ આ સમયે ૨૧૦ રૂપિયાના વધારા સાથે ૭૨,૩૫૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો.

(8:23 pm IST)