Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

ગોપનીયતાના અધિકાર માટે સન્માન પરંતુ ગંભીર મામલામાં આપવી પડશે જાણકારી: વોટસએપ્પને સરકારે રોકડું પરખાવ્યું

કેન્દ્ર સરકારે કહ્યું કે, યુઝર્સની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાનો કોઈ જ ઈરાદો નથી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના નવા નિયમો પ્રમાણે વોટ્સએપ મેસેજિંગ એપ પર મોકલવામાં આવેલ મેસેજના ઓરિજીન અંગેની જાણકારી રાખવી પડશે. આ નિયમ વિરૂદ્ધ કંપનીએ 25 મેના રોજ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે કે, તેનાથી યુઝર્સની પ્રાઈવસીનું ઉલ્લઘન છે. તેના પર કેન્દ્ર સરકારે કહ્યું કે, સરકારે વોટસએપ્પને રોકડું પરખાવ્યું, કહ્યું- ગોપનીયતાના અધિકાર માટે સન્માન કરીએ છીએ પરંતુ ગંભીર મામલાઓમાં જાણકારી આપવી પડશે.

   કેન્દ્ર સરકારે કડક ટિપ્પણી કરતા કરતા ટ્વીટ કર્યું કે, એક તરફ વોટસએપ પોતાના યુઝર્સ માટે આવી પ્રાઈવસી પોલીસીને અનિવાર્ય કરવા મથી રહ્યું છે, જેના હેઠળ તેમની અંગત જાણકારી પોતાની પેરેન્ટ કંપની ફેસબુકની સાથે શેર કરી શકે. તો બીજી તરફ કાયદાકીય વ્યવસ્થાને યથાવત રાખવા અને ફેક ન્યૂઝ પર અંકુશ લગવવા માટે લાવવામાં આવેલ ભારત સરકારની ઇન્ટરમીડિયરી ગાઈડલાઈન્સને લાગુ કરવાનો નનૈયો ભણી રહી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, અમારા યુઝર્સની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાનો કોઈ જ ઈરાદો નથી

  અત્રે ઉલ્લેખનીય છે કે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટ્રીએ ટ્વીટ કરીને જણાવ્યું કે,વોટસએપે કોઇપણ મેસેજના ઓરિજિનની વિગત ત્યારે જ આપવી પડશે જ્યારે મહિલાઓ વિરૂદ્ધના અપરાધ જેવા ગંભીર મામલાઓને અટકાવવા, તપાસ અથવા સજા આપવા માટે જરૂર પડશે. મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભારતમાં કોઇપણ પ્રકારના ઓપરેશન અહીંના કાયદા પ્રમાણે જ ચાલશે. તો વોટસએપએ ગાઈડલાઈન્સ લાગુ કરવાનો નનૈયો ભણ્યો છે અને આ મામલે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે

 

(10:09 pm IST)