Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

યોગીની સ્પીડથી પણ ક્રાઈમના ગ્રાફની સ્પીડ વધુ :પ્રિયંકા ગાંધી

યુપીના મુખ્યમંત્રી પર કોંગ્રેસના નેતાના આક્ષેપોઃ યોગી સરકાર ક્રાઈમની ઘટનાઓ દબાવતી હોવાનો કોંગી નેતાનો આરોપ, રાજ્યની શેરીઓમાં ગુનાખોરીનું તાંડવ

નવી દિલ્હી, તા. ૨૫: કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તરપ્રદેશનાં ઈનચાર્જ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાજ્યમાં ક્રાઈમનો ગ્રાફ બમણી ગતિએ વધી રહ્યો છે. પ્રિયંકાએ ક્રાઈમ ગ્રાફ શેર કરીને લખ્યું કે ઉત્તર પ્રદેશની યોગી સરકારની સ્પીડ કરતાં પણ ત્યાં ગુનાઓનો ગ્રાફ બમણી ગતિથી વધી રહ્યો છે. યોગી સરકાર આ ગુનાઓની ઘટનાઓ પર પરદો નાખી રહી છે.

પ્રિયંકાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સરકારની સ્પીડ જણાવે છે કે ગુનાઓનું મીટર બમણી ગતીથી દોડી રહ્યું છે. પ્રત્યક્ષમ્ કિમ્ પ્રમાણમ્. આ ઉત્તર પ્રદેશમાં ફક્ત બે દિવસોના જ ગુનાઓનું મીટર છે. ઉત્તર પ્રદેશ સરકાર વારંવાર ગુનાઓની ઘટનાઓને છુપાવતી રહી છે. પરંતુ રાજ્યની શેરીઓમાં ગુનાખોરી તાંડવ કરી રહી છે. પ્રિયંકાએ મૂકેલા ગ્રાફ પ્રમાણે, રવિવારે એટલે કે ૨૩ ઓગસ્ટના રોજ ગોરખપુરમાં માતા-પુત્રની હત્યા, જૌનપુરમાં ટ્રિપલ મર્ડર, પ્રયાગરાજમાં ડબલ મર્ડર, ઉન્નાવમાં મહિલાનો મૃતદેહ મળવાની ઘટના, બરેલીમાં બાળકની હત્યા, કૌશામ્બીમાં વેપારી પર હુમલો, ચિત્રકૂટમાં મજૂરની હત્યા, મુઝફ્ફરનગરમાં હત્યા અને વારાણસીમાં ગેંગરેપની ઘટનાનો સમાવેશ છે. આ ગ્રાફ પ્રમાણે, સોમવારે  બલિયામાં પત્રકારની હત્યા, ગાઝિયાબાદમાં યુવક પર હુમલો, બાગપતમાં દલિત વિદ્યાર્થીની પર ગેંગરેપ, બારાબંકીમાં યુવકની હત્યા, બિજનૌરમાં યુવકની ઢોરમાર મારીને હત્યા, સુલ્તાનપુરમાં સિપાહીની હત્યા, ફતેહપુરમાં યુવકની હત્યા, પ્રયાગરાજમાં સપા નેતા પર હુમલો, લખનૌમાં અધિક્ષકની ગોળી મારીને હત્યા, ઉન્નાવમાં બે દિવસ અગાઉ ગાયબ થયેલ બાળકનો મૃતગેહ મળ્યો, લખનૌમાં કબીર મઠના પ્રશાસનિક અધિકારીની ગોળી મારી હત્યા સામેલ છે.

(10:29 pm IST)