Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કોરોના : ૨૪ કલાકમાં દેશમાં વધુ ૬૦,૯૭૫ કેસ નોંધાયા

ચેપગ્રસ્તોનો આંક ૩૧ લાખને પારઃ રિકવરી રેટ વધ્યોઃ રિકવરી રેટ સુધરીને ૭૫.૯૧ ટકા થયો, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૬૫૫૦ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ્ય થયા

નવી દિલ્હી, તા. ૨૫: ભારતમાં કોરોના વાયરસનો આતંક હજુ ઘટે તેવા આસાર નથી. દેશમાં રોજ ચેપગ્રસ્તોની સંખ્યા વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે મંગળવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ચેપગ્રસ્તોનો કુલ આંકડો ૩૧ લાખને ઓળંગી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૬૦૯૭૫ કેસ નોંધાતા કુલ કેસ ૩૧૬૭૩૨૩ થઈ ગયા છે. ૨૪ કલાકમાં ૮૪૮ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૫૮૩૯૦ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૭૦૪૩૪૮ એક્ટિવ કેસ છે.

આ સાથે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સુધરીને ૭૫.૯૧ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૬૫૫૦ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૨૪૦૪૫૮૫ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણાં કરતાં પણ વધારે છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૩૬૩૬૬૫૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૮૧૨૭૨૨ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૫૩૨૭૧૦૦ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૭૪૯૬૮૨૯ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.

(10:31 pm IST)