Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પીઓકેમાં ચીનના પ્રોજેક્ટો સામે લોકોનો ભયંકર વિરોધ

હાથમાં મશાલો સાથે લોકોના ચીન વિરોધી દેખાવોઃ રેલીમાં દરિયા બચાઓ, મુઝફ્ફરાબાદ બચાઓ ઉપરાંત નીલમ ઝેલમ કો બહને દો, હમેં જીને દો જેવાં સૂત્રો પોકારાયાં

મુઝફ્ફરાબાદ, તા. ૨૫: પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર(પીઓકે)માં ચીન દ્વારા નીલમ અને ઝેલમ નદી પર બંધ બાંધવાના પગલાં સામે મુઝફ્ફરાબાદમાં જબરદસ્ત દેખાવો થયા છે. દેખાવકારો હાથમાં સળગતી મશાલ સાથે સડકો પર ઊતરી આવ્યા હતા. રેલીમાં દરિયા બચાઓ, મુઝફ્ફરાબાદ બચાઓ ઉપરાંત નીલમ ઝેલમ કો બહને દો, હમેં જીને દો જેવાં સૂત્રો પોકારાયાં હતાં. ચીન અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં પીઓકેમાં કોઆલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને આઝાદ પત્તન હાઇડલ પાવર પ્રોજેક્ટ અંગે સમજૂતી થઇ હતી. આ જળવિદ્યુત યોજનાથી પીઓકેના લોકોને કોઇ લાભ થવાનો નથી. ઊલટું નદીનો પ્રવાહ અવરોધાતાં મુઝફ્ફરાબાદ અને આસપાસના વિસ્તારોને પાણીની તંગી પડવા ઉપરાંત બીજી તકલીફો પડવાની શક્યતા હતી. એટલે છેલ્લા થોડા સમયથી લોકો અવારનવાર સડકો પર ઊતરી આવતા હતા. નીલમ-ઝેલમ નદી પર એક ચીની કંપની બંધ બાંધવાની છે. આ બંધ યોજના ચીનની મહત્ત્વાકાંક્ષી સીપેક યોજનાનો એક હિસ્સો છે. આશરે દોઢ અબજ અમેરિકી ડૉલરના ખર્ચે આ પ્રોજેક્ટ બની રહ્યો છે. આ પ્રોજેક્ટ ૨૦૨૨માં પૂરો કરવાની યોજના છે. પાકિસ્તાન વર્ષે જેટલું વીજ ઉત્પાદન કરે છે એના માત્ર ત્રણ ટકા વીજ ઉત્પાદન આ પ્રોજેક્ટથી થશે એવો અંદાજ છે. મૂળ તો આ પ્રોજેક્ટના બહાને ચીન પાકિસ્તાનને વધુ ઓશિયાળું બનાવવાની વેતરણમાં હતું. આ યોજના માટે પાકિસ્તાને એક અબજ ૧૩ કરોડ ડૉલર્સનું કર્જ બહારથી લીધું છે. બાકીની રકમ ઇક્વિટી દ્વારા ઊભી કરાશે. આ કર્જ અઢાર વર્ષમાં ચૂકતે કરવાની ગૅરંટી પાકિસ્તાને કર્જ આપનારા દેશને આપી હતી.

(10:36 pm IST)