Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

અમેરિકામાં અશ્વેતને ગોળીએ દેવાની વધુ એક ઘટનાથી વિવાદ

વિસ્કોન્સીનમાં પોલીસે બ્લેક નાગરિકને ગોળી મારીઃ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જોકે, ગોળી શા માટે મારવામાં આવી તેનો ખુલાસો નથી કરાયો

વોશિંગ્ટન, તા. ૨૫: અમેરિકામાં અશ્વેત નાગરિકો સાથે પોલીસના દમનની વધુ એક ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. વિસ્કોન્સિન શહેરના કેનેશા વિસ્તારમાં રવિવારે બે પોલીસકર્મીઓએ અશ્વેત નાગરિક જૈકબ બ્લેકને તેના બાળકો સામે પીઠ પર ગોળી મારી હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યાં તેની સ્થિતિ જોખમ બહાર ગણવામાં આવે છે. જોકે હજી તેને ગોળી મારવામાં કેમ આવી તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

જૈકબના વકીલ બેન ક્રમ્પે આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ શેર કર્યો છે. તેમાં પોલીસકર્મીએ એક એસયુવીમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યા પછી જૈકબ પર ગોળી ચલાવતો જોવા મળ્યો હતો. ઘટનાથી નારાજ લોકોએ કેનેશાના કોર્ટહાઉસની સામે પ્રદર્શન કર્યું હતું. તેને ધ્યાનમાં રાખીને કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં છેલ્લા બે મહિનામાં કોઈ અશ્વેત પર ગોળી ચલાવવાની આ બીજી ઘટના છે. આ પહેલાં ૧૨મી જૂને અટલાન્ટાના જોર્જિયામાં ધરપકડ દરમિયાન ૨૭ વર્ષનો રેશર્ડ બ્રુક્સને ઓફિસરે ગોળી મારી હતી.કેનેશા પોલીસે વિસ્કોન્સિન ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિવિઝનને તપાસ કરવા માટે કહ્યું છે. તપાસ કેનેશાના કાઉન્ટી ડેપ્યૂટી શેરિફની આગેવાનીમાં કરવામાં આવશે. તેનો રિપોર્ટ ડિસ્ટ્રિક્ટ અટૉર્ની મિશેલ ડી ગ્રેવલીને સોંપવામાં આવશે. ત્યારપછી ગ્રેવલી જ નિર્ણય લેશે કે, ઓફિસર્સ પર કયા આરોપ લગાવવામાં આવશે. અટૉર્ની ગ્રેવલીએ કહ્યું કે, હાલ પ્રાથમિક તબક્કે તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે, ગોળી ચલાવનાર પોલીસ ઓફિસરને રજા પર મોકલી દેવામાં આવ્યો છે.

(10:38 pm IST)