Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કમલા હેરિસની સામે ટ્રમ્પની પાર્ટીએ નિક્કી હેલીને ઉતાર્યાં

હેલી ટ્રમ્પ માટે આ ચૂંટણીમાં પ્રચારકાર્ય કરશેઃ યુએસના સાઉથ કેરોલિનામાં જન્મેલી નિક્કી હેલીનું મૂળ નામ નિમ્રતા રંધાવા, પરિવાર અમૃતસર આવ્યો હતા

વૉશિંગ્ટન, તા. ૨૫: અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટ પાર્ટીએ ભારતીય મૂળનાં કમલા હેરિસને મેદાનમાં ઉતાર્યાં તેની સામે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ નિક્કી હેલીને પ્રચારની જવાબદારી સોંપી છે.

રિપબ્લિકન સંમેલનોના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન બોલતાં કહ્યુ નિક્કી હેલીએ કહ્યું કે હું ભારતીય પ્રવાસીઓની ગૌરવશાળી દિકરી છું. મારા પિતાએ પાઘડી પહેરી હતી. મારી માતાએ સાડી પહેરી હતી. હું એક બ્લેક એન્ડ વ્હાઈટ દુનિયામાં એક ભૂરી છોકરી હતી. અમારે ભેદભાવ અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પરંતુ મારા માતા-પિતાએ ક્યારેય ફરિયાદ અને નફરત કરી નથી. મારી માતાએ એક સફળ વ્યવસાય કર્યો. મારા પિતાજીએ ઐતિહાસિક રીતે બ્લેક કોલેજમાં ૩૦ વર્ષ સુધી ભણાવ્યું અને દક્ષિણ કેરોલિનાના લોકોએ મને પોતાની પહેલી લઘુમતી અને પહેલી મહિલા ગવર્નર તરીકે પસંદ કરી.

સાઉથ કેરોલિનામાં જન્મેલી નિક્કી હેલીનું મૂળ નામ નિમ્રતા રંધાવા હતું. તેમના પિતા અજીત સિંહ રંધાવા અને માતા રાજ કૌર રંધાવા પંજાબના અમૃતસરથી અહીં આવ્યા હતા. એક નિવેદનમાં તેમણે કહ્યું કે, ચાર દિવસ સુધી ચાલનારા પ્રેસિડેન્ટ ટ્રમ્પ ૨૦૨૦ કન્વેશન મહાન અમેરિકી ઈતિહાસનું સન્માન કરશે. આ દરમિયાન મેક અમેરિકા ગ્રેટ અગેનના એજન્ડાને પણ સૌની સામે રાખવામાં આવશે. નિક્કી હેલી સિવાય સંમેલન પહેલા દિવસે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને કિંબર્લી ગુઈલફૉયલ પણ લોકોને સંબોધિત કરશે. પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ સંમેલનને વ્હાઈટ હાઉસ સ્થિત રોજ ગાર્ડનથી બુધવારે સંબોધિત કરશે.

(10:39 pm IST)