Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કોરોનાથી પાંચ માસમાં પર્યટન ઉદ્યોગને ૩૨૦ અબજની ખોટ

વૈશ્વિક પર્યટન ઉદ્યોગમાં ૧૨ કરોડ નોકરી પર ખતરોઃ પર્યટન વૈશ્વિક અર્થવ્યવસ્થાનો ત્રીજું સૌથી મોટું ક્ષેત્ર છે

ન્યૂયોર્ક, તા. ૨૫: કોરોના મહામારીને લીધે વૈશ્વિક પર્યટન ઉદ્યોગ સંપૂર્ણ રીતે પડી ભાંગ્યો છે અને વિતેલા પાંચ મહિનામાં ઉદ્યોગને ૩૨૦ અબજ ડોલરનું જંગી નુકસાન પહોંચ્યું છે, તેમ એક રિપોર્ટમાં જણાવાયું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે મંગળવારે આ અંગેની માહિતી આપી હતી. રિપોર્ટ મુજબ વર્તમાન સમયમાં વૈશ્વિક પર્યટન ઉદ્યોગમાં ૧૨ કરોડ નોકરીઓ પર ખતરો મંડળાઇ રહ્યો છે.  સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના જણાવ્યા મુજબ પર્યટન વૈશ્વિક અર્થવ્યવસ્થાનો ઇંધણ અને રસાયણ પછીનો ત્રીજો સૌથી મોટુ ક્ષેત્ર છે. ૨૦૧૯માં વૈશ્વિક વેપારમાં પર્યટન ક્ષેત્રનો હિસ્સો સાત ટકાનો હતો. સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખનું કહેવુ છે કે પૃથ્વી પર દરેક ૧૦માંથી એક વ્યક્તિને પર્યટન ઉદ્યોગ રોજગાર આપે છે, પરંતુ વિતેલા પાંચ મહિનામાં મહામારીને લીધે આંતરરાષ્ટ્રીય પર્યટકોની સંખ્યામાં ૫૦ ટકાથી પણ વધારે ઘટાડો થયો છે. જેના કારણે આ ક્ષેત્રની આવક ખૂબ જ પ્રભાવિત થઇ છે. ગુતારેસેનું કહેવું છે કે વૈશ્વિક પર્યટન માત્ર અર્થવ્યવસ્થાઓને આગળ વધારવામાં જ મદદ નથી કરતુ પરંતુ ક્ષેત્રને લીધે લોકો વિશ્વની સંસ્કૃતિ અમે પ્રાકૃતિક સોંદર્યનો આનંદ ઉઠાવી શકે છે.  તેમણે જણાવ્યુ હતું કે પર્યટન ઉદ્યોગ પડી ભાંગવો એ વિશ્વના ધનિક અને વિકસિત દેશો માટે મોટો ફટકો છે, પરંતુ વિકાસશીલ દેશો માટે મોટી આફત છે. જેમાં ઘણાખરા નાના દ્રીપ-વિકાસશીલ દેશો અને આફ્રિકા સામે છે. તેમના જણાવ્યા મુજબ કેટલાક દેશોની જીડીપીમાં પર્યટન ઉદ્યોગનો હિસ્સો ૨૦ ટકાથી પણ વધારે છે.

(10:42 pm IST)